ઉનાળાની સીઝનમાં ગરમી (લૂ-હિટ સ્ટ્રોક) સામે રક્ષણ મેળવવા આટલું કરો!

AI Image
ગરમીનો પ્રકોપ દીવસે ને દીવસે વધી રહ્યો છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા શું-શું કરી શકાય તે અંગે જિલ્લા પંચાયત, અમદાવાદની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાની કાળજી લઈ કેટલાક ઉપાયો અને પ્રાથમિક સ્તરની જાણકારીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઉંચા સ્તર પર પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે. આ હિટ સ્ટ્રોકની અસર વૃધ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, તેમજ મજૂરી કામ કરતા લોકોને વધુ અને જલ્દીથી અસર કરે છે.
હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય ત્યારે માથામાં દુખાવો થવો, પરસેવો ના થવો, ચામડી લાલ, સૂકી અને ગરમ થવી, ઉલટી થવી, અશક્તિ અનુભવવી, આંખો લાલ થવી જેવા લક્ષણો જોવા મળે છે.
આ પ્રકારની પરિસ્થિતીથી બચવા પાણી વધુ પીવું જોઈએ, નાહવાનું પ્રમાણ વધારવું જોઈએ, સફેદ અને હલકા રંગના કપડા પહેરવા જોઈએ, બંધ કારમાં બેસવાનું ટાળવું જોઈએ, તેમજ આલ્કોહોલ અને કેફી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ અને કામ વગર બહાર પણ ન નિકળવું જોઈએ.
જો વ્યક્તિ હિટ સ્ટ્રોકનો ભોગ બને તો તેણે અથવા તેની આસપાસના વ્યક્તિએ ૧૦૮ ઈમર્જન્સી સેવાનો સંપર્ક સાધવો તેમજ સારવાર મળે ત્યાં સુધી ભોગ બનેલ વ્યક્તિને તેના પગ જમીનથી થોડા ઉંચા રહે તેમ સુવડાવવો, પંખાની સીધી હવા તેના શરીર પર આવે તે રીતે સુવડાવવો, દર્દીના બગલમાં, કમર પર તથા ગળાની નીચે ભીના કપડા, ટુવાલ, બરફ મુકવો તેમજ તેને ઠંડુ સાદુ પાણી પીવડાવતા રહેવું જોઈએ.