આગામી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/rahatcomm-1024x604.jpg)
રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.
IMDના અધિકારીશ્રી દ્વારા તા.૩૦ જુલાઇ થી ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.
રાહત કમિશનરશ્રી દ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, SSNNL, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
શ્રી આલોકકુમાર પાંડે દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીશ્રીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતાં જરૂરી સૂચનાઓ આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, NDRF, SDRF, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, શિક્ષણ, કૃષિ, માહિતી વિભાગના તથા ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.