દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ર૪ કલાક ભારે વરસાદની આગાહી

(એજન્સી)અમદાવાદ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે વિવિધ ભાગો માટે આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે, અરબ સાગરની મધ્યમાં હાલમાં એક ડિપ્રેશન સક્રિય છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સુધી વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિમાં રહ્યા બાદ મોડીરાત્રે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. પરંતુ તેની અસરોને કારણે દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ થયો હતો. શહેરના એસજી હાઈવે, સરખેજ, હાઇકોર્ટ, શિવરંજની, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર મધ્ય અરબ સાગરના ભાગોમાં એક ડિપ્રેશન સક્રિય છે. જે આગામી ૨૪ કલાક બાદ નબળું પડીને ફરી એક વખત વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઇ શકે છે. ત્યારબાદ તેની અસરો નબળી પડતા ગુજરાત ઉપરથી ભારે વરસાદનો ખતરો ટળી જશે. પરંતુ હજુ પણ આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સતત વરસાદની સ્થિતિ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાતમાંથી હજુ પણ નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી નથી. સામાન્ય દિવસોમાં ૫ ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ લે છે. પરંતુ આ વર્ષે સતત હળવાથી મધ્યમ તો ક્યારેક ભારે વરસાદને કારણે હજુ સુધી રાજ્યભરમાંથી અમદાવાદમાં ૩૪ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના ભુજ ખાતે વરસ્યો હતો.
જ્યાં ૨૪ કલાક દરમિયાન ૯ સેન્ટિમીટર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે પણ ૮ સેન્ટિમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં આગામી ૨૪થી ૪૮ કલાક સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સાંજ પછી હળવો વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી શહેરીજનો બફારો અનુભવી રહ્યા છે.
કારણ કે, વાદળો છવાયેલાં છે જેને કારણે સૂર્યનાં સીધાં કિરણો જમીન ઉપર પડતાં નથી. આથી બફારો અનુભવાશે. આ સ્થિતિ હજુ પણ આગામી ૨૪ થી ૩૬ કલાક યથાવત્ રહેવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જે સામાન્ય કરતાં ૩.૬ ઓછું હતું. આજે પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૩૩ થી ૩૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.