અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયા
(એજન્સી)અમદાવાદ, ગુજરાત માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૨૦ જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં પણ બપોરે ૧૨ વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
ખાસ કરીને ઉતરઝોન માં ભારે વરસાદ પડ્યો છે તેમજ કુબેરનગર , સરદાર નગર, સૈજપુર ગરનાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકો ને ભારે હાલાકી થઈ છે. શાળાઓ છૂટવાના સમયે જ વરસાદ થયો હોવાથી વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.
અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલ અને અસારવા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. #ahmedabad #rain #Monsoon2024 #Weather #Vadodra pic.twitter.com/D5bU6gdCwY
— IDAR NA SAVALO (@IDARNASAVALO) July 15, 2024
અમદાવાદ શહેરના વાતાવરણમાં ૧૨ વાગ્યા બાદ અચાનક પલટો આવ્યો છે.તેમજ ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં ૩૦ મિનિટથી વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ થયા છે. સૈજપુર ટાવરમાં વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા. સૈજપુર, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો પણ આવી છે.
શહેરના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સ્કૂલ-કોલેજ છૂટવાના સમયે વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓ અટવાયા છે કેટલાક વિસ્તારોમાં નાના ભૂલકાઓને ઘરે લઈ જતા વાહનો બંધ પડતા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં વધુ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં પણ આજે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં વરસાદે વિરામ લીધો હતો. થોડા વિરામ બાદ હવે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વધુમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજ સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું વહેલી પરોઢે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે અચાનક ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા જેના પગલે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કવાયત શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં પણ હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એકાએક પવન સાથે આવેલા વરસાદના કારણે અમદાવાદમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે શહેરના કેટલાક અન્ડરબ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
અમદાવાદમાં માત્ર દોઢ કલાકમાં શહેરમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમકો અને સૈજપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કાંકરિયા, મણિનગર, જશોદાનગર, નરોડા, ઓઢવ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઇવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય જો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે.
જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અંબિકા, પૂર્ણા, કાવેરી, ખરેરા, હિંટોળા જેવી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.