અમદાવાદ અલગ-અલગ 48 ટાપુમાં વહેંચાયુ: એક દિવસના વરસાદમાં જ વિકાસ પાણી-પાણી થઈ ગયો
મ્યુનિ. કમિશનર ની મિટિંગો અને સીટી ઈજનેર વિજય પટેલની અણઆવડતે સ્માર્ટસિટી ની દશા બગાડી
વરસાદ બંધ થયા બાદ બે દિવસ સુધી પાણી ન ઓસર્યા હોય તેવો દોઢ દાયકામાં પ્રથમ બનાવ-સોલા અને ગોમતીપુર માં મહાકાય ભુવા પડ્યા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં 25 તારીખ મધરાતથી શરૂ થયેલા વરસાદે પૂર્વ- પશ્ચિમ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નહતો. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ વરસાદે સ્માર્ટસિટીને એક જ રાતમાં બદસુરત બનાવ્યું છે. 25 તારીખ મધરાતથી શરૂ થયેલો વરસાદ હજી પણ ચાલુ જ છે. આ દરમિયાન શહેરનો ભાગ્યેજ કોઈ વિસ્તાર એવો હશે કે જ્યાં પાણી ભરાયા ન હોય.
ચોમાસા પહેલા સીટી ઈજનેર વિજય પટેલ તરફથી કરવામાં આવેલા તમામ દાવા ખોટા સાબિત થયા છે પ્રિ-મોન્સૂન પ્લાનનું હંમેશા ધોવાણ થાય છે પરંતુ આટલી શરમજનક રીતે પ્રથમ વખત જ પ્લાન નું ધોવાણ થયું છે. વરસાદની તીવ્રતા ના કારણે પાણી ભરાવો થાય તે બાબત સમજી શકાય છે પરંતુ વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી પાણી ઓસર્યા ન હોય તેવો બનાવ છેલ્લા એક દાયકા માં પ્રથમ વખત જોવા મળ્યો છે.
2000ની સાલ માં સ્ટોર્મ વોટર ઉપલબ્ધ નહતી તે સમયે એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં આવી દુર્દશા થઈ નહતી. ફાયર વિભાગને એક જ દિવસમાં 98 કોલ મળ્યા હતા. અનેક સ્થળે લોકોના ઘર માં પાણી ઘુસી ગયા છે જે હજી ઉતર્યા નથી.જાહેર પરિવહન સેવા ને અસર થઈ છે અને ખાનગી વાહનચાલકો સ્વ-જોખમે વાહન ચલાવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરનો મિટિંગ એજન્ડા પણ આ નિષ્ફળતા માટે જવાબદાર છે.
અધિકારીઓ ને મિટિંગમાં વ્યસ્ત રાખવાના બદલે ફિલ્ડમાં કામ કરવા માટે સમય આપ્યો હોત તો આવી દુર્દશા ન થાત તેમ માનવામાં આવી રહ્યું છે અમદાવાદ છેલ્લા 36 કલાકથી ચાલી રહેલા અવિરત વરસાદના પગલે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. શહેરના તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.શહેરમાં 27 તારીખ સવારે દક્ષિણી અંડરપાસ માં ડૂબી જવાથી એક વ્યક્તિ ના મૃત્યુના અહેવાલ છે જો કે સક્ષમ સતા તરફથી આ અહેવાલ ને સમર્થન કે રદિયો આપવામાં આવ્યો નથી.
26 તારીખે પરિમલ અંડરપાસ માં ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી જેમાં 40 પેસેન્જર હતા. ફાયર વિભાગે આ તમામ ને સહી સલામત બહાર કાઢ્યા હતા. શહેરના દાણીલીમડા વિસ્તાર ના એકતાનગર અને તીનબતી વિસ્તારમાં બે દિવસથી ભરાયેલા પાણી ઊતર્યા નથી.એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં પણ વરસાદ બંધ થયા બાદ પાણી ભરાયેલા રહેતા ધારાસભ્ય અમિત શાહ ને કંટ્રોલ રૂમમાં દોડી જવાની ફરજ પડી હતી.
સૌથી ખરાબ પરિસ્થિતિ નવા પશ્ચિમ ઝોન વિસ્તાર ની થઈ છે. બોપલ, ઘુમા,ગોતા, ચાંદલોડિયા, મકતમપુરા, બોડકદેવ, વેજલપુર સહિતના વિસ્તારમાં હજી પણ પાણી ભરાયેલા છે. પૂર્વ વિસ્તાર ના મણિનગર, નારોલ, નિકોલ, ઓઢવ, કુબેરનગર, નરોડા, દાણીલીમડા માં કેડ સમા પાણી ભરાયા હતા.કેટલાક ઠેકાણે પાણી ઓછા થયા છે પરંતુ ઓસર્યા નથી.
મકતમપુરામાં ક્રેસેન્ટ સ્કૂલ ની પાછળ ની તમામ સોસાયટીઓમાં અંબર ટાવરની પાછળની તમામ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે ઘરોમાં પાણી ઘૂસી ગયેલ છે ગઈકાલથી કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઇ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી.સાબરમતી નદી નજીક હોવા છતાં નહેરુબ્રિજ કોર્નર પાસે ભરાયેલાવરસાદી પાણી નો નિકાલ થયો નહતો.
અમદાવાદ ના હાથીજણ અને વિવેકાનંદનગર ને જોડતો ખારી નદીના બ્રિજ ઉપર થી પાણી આવી ગયા હતા તેમજ ડ્રેનેજ ના પાણી પણ બેક માર્યા હતા. સોલા વિસ્તારમાં ચાલી રહેલ રામેશ્વર રી-ડેવલપમેન્ટ ની સ્કીમ પાસે મહાકાય ભુવો પડ્યો છે.
જયારે ગોમતીપુર વિસ્તારમાં ન્યુ કોટન મીલ પાસે 20 ફૂટનો મહાકાય ભુવો પડ્યો છે.ગુજરાત યુનિવર્સિટી પાસે પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. અમદાવાદમાં 26 તારીખ સવારે 6 વાગ્યાથી 27 તારીખ સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 6 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ મણિનગર માં નોંધાયો હતો.જ્યારે ચકુડીયા મહાદેવ વિસ્તારમાં 7, ઓઢવમાં 7, રામોલમાં 7.5, રાણીપ માં 6, બોડકદેવમાં 6, સાયન્સસિટી અને ગોતામાં 6.5, નરોડામાં 8, વટવામાં 05 અને દૂધેશ્વરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સરેરાશ સવા ઇંચ વરસાદ થયો છે.જેમાં મણિનગર માં પોણા બે ઇંચ,નરોડામાં બે ઇંચ, બોડકદેવમાં એક ઇંચ વરસાદ થયો છે.
મેન રોડ તેમજ મકાન પર પડેલ ઝાડ -52
1 લિફ્ટ નો કોલ
1 હોડિંગ નો કોલ
બચાવ કોલ- 80
અંગાર કોલ શોર્ટ સર્કિટ ના કારણે 18 કોલ