Western Times News

Gujarati News

અમદાવાદ બેહાલ: ત્રણ કલાકમાં 6 ઇંચ વરસાદ – ઠેર ઠેર જળબંબાકાર

શેલામાં મહાકાય ભુવો પડ્યો : ગોતા માં બે બસ ફસાઈ : પાંચ અંડરપાસ બંધ કરાયા : 

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં રવિવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઠણ સમાં પાણી ભરાયાં હતા. અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદ ના કારણે કેટલાક અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી તો ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે મનપાના કર્મચારીઓ સાધનો સાથે હાજર રહેશે તેવી મોટી મોટી વાતો ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આજે વરસાદની વચ્ચે એક પણ કર્મચારી ક્યાંય દેખાયા નહોતા. આ સાથે જ શેલામાં ક્લબ 07 રોડ પર ટ્રક ઉતરી જાય તેવો મહાકાય ભૂવો પડ્યો હતો.

અમદાવાદમાં રવિવાર બપોરે 12:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ શહેરમાં સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ પડયો છે સૌથી વધારે વરસાદ પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બોપલ વિસ્તારમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારમાં ચાર ઇંચ પડ્યો વરસાદ હતો. પૂર્વ વિસ્તારમાં નરોડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.જેના પગલે ઠેર ઠેર અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને હજી પણ પાણી ઓસર્યા નથી.

 વેજલપુર શ્રી નંદનગર પાસે દર વર્ષે 2 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે. શ્રી નંદનગર અને સોનલ સિનેમા રોડ પર પાણી ભરાઈ ગયા હતા.તેમજ લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. ચેનપુરથી જગતપુર જવાના રોડ પર ચાચા ચૌધરી કેફે નજીક વરસાદી પાણી ગટરમાંથી બેક મારતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. એક તરફનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને બંધ કરવો પડયો હતો.
ગટર લાઈનમાંથી પાણી બહાર આવી રહ્યા હતા. સ્માર્ટ સિટી કહેવાતા અને કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કર્યો હોવાના દાવા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારી શહેરમાં પડેલા માત્ર સરેરાશ સવા બે ઇંચ વરસાદે ખોલી દીધી છે. ગોતા વૃંદાવન હાઈટસ 4 રસ્તા પાસે સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગોતામાં વૃંદાવન હાઇટ ચાર રસ્તા પાસે બે એમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ છે. પોલાણવાળી માટી હોવાના કારણે બંને બસોનો આગળનો ભાગ અંદર ફસાઈ ગયો હતો.જશોદાનગર ખારી કટ કેનાલમાં પાણી બેક માર્યા હતા.

 શહેરના ગોતા-સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ગોતા અને સાયન્સ સિટીમાં 3 કલાકમાં એટલે કે બપોરના 12થી 3 વાગ્યા સુધીમાં 6 ઇંચ, બોપલમાં 4 ઇંચ, નરોડામાં 4 ઇંચ, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયામાં 3 ઇંચ, ઉસ્માનપુરા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારે 11 વાગ્યા સુધી વાદળછાયું વાતાવરણ હતું. પરંતુ વરસાદનું આગમન નહોતું થયું. આ દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી હતું.

પરંતુ બપોર બાદ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને તાપમાનનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટીને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 27 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. આમ ચાર કલાકમાં જ 4 ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું. અમદાવાદમાં ભારે વરસાદના પગલે કુલ 5 અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં અખબાર નગર, મકરબા, મીઠાખળી, ત્રાગડ અને ગોતા સિલ્વર સ્ટાર અંડરબ્રિજનો સમાવેશ થાય છે.

તો સીજી અને શેલા રોડ પાણીમાં ગરકાવ થયો છે. એલિસબ્રીજ પોલીસ લાઇન બહાર પણ પાણી, વાહનો પણ પાણીમાં માંડ પસાર થઈ રહ્યા છે. સિલ્વર ઓક કોલેજ, સરસપુર, કુબેરનગર બજારમાં પણ સારો વરસાદ વરસ્યો છે. તો લૉ ગાર્ડન પાસે યુવાઓ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.