એરંડાને વરસાદથી ભારે નુકસાનઃ કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી
મહેસાણા, માવઠાએ ઘણા ખેડૂતોનું વર્ષ બગાડ્યું છે. મહેસાણાના ખેડૂતો એરંડા, કપાસ તેમજ બીજા રોકડિયા પાકોનું વાવેતર વધારે પ્રમાણમાં કરતા હોય છે. આ વર્ષે સમયસર પડેલા વરસાદના કારણે ખેડૂતોને વધારે ઉત્પાદનની મીટ મંડાઇ હતી.
પરંતુ પાક બરાબર પાકી ગયા પછી પણ માવઠું થતા ખેડૂતોને ત્રણ-ત્રણ વાર ફરી વાવેતર કરવાની ફરજ પડી હતી. ત્રીજી વાર પણ ઘણા વિસ્તારોમાં દિવેલાનું વાવેતર ફેલ ગયું છે. જેથી ખેડૂતોને નુકસાન વેઠવાની નોબત આવી છે. ત્રણ-ત્રણ વાર કરેલું વાવેતર નિષ્ફળ ગયું
ગયા અઠવાડિયે પડેલા વરસાદના કારણે કડી તાલુકામાં પડેલા બે ઇંચ વરસાદના કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ત્રીજી વાર એરંડાનું વાવેતર કરેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ગયા વર્ષે પ્રતિ વીઘે સરેરાશ ૧૫ થી ૧૮ મણ જેટલું એરંડાનું ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતોએ પ્રતિ વીઘે સરેરાશ ૨૫ મણ જેટલા એરંડાના ઉત્પાદનની આશા રાખી હતી. પરંતુ દિવાળીના ટાણે વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ ગામે એરંડા, ડાંગર તેમજ ઓછા પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવેલું છે, પરંતુ આ વર્ષે પડેલા અનિયમિત વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એરંડાના પાકમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બે વારનું વાવેતર ખેડૂતોને કરવાની ફરજ પડી છે. ઘણા ખેડૂતોએ ત્રણ વાર વાવેતર કરેલું છે.
ખાવડ ગામના ખેડૂત પટેલ વિજયભાઈએ ‘લોકલ ૧૮’ને જણાવ્યું કે, “આ વર્ષે પડેલા વરસાદના કારણે ખેડૂતોને એરંડાના પાકમાં ત્રણ વાર વાવેતર કરવું પડ્યું હતું. જેમાં ૮ હજાર જેટલો ખર્ચો પડ્યો હતો, પરંતુ તેમાં નહીંવત ઉત્પાદન મળ્યું હતું.” બીજા ખેડૂત નવનીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આ વર્ષે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે મોટાભાગના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે. અમે સરકાર પાસેથી યોગ્ય વળતરની આશા સેવી રહ્યા છીએ.” ખાવડ ગામે આ વર્ષે ૨૦૦ વીઘામાં વાવેતર થયેલું હતું. જેમાં ૮૦ ટકા જેટલું વાવેતર નિષ્ફળ ગયું છે.