Western Times News

Gujarati News

ગુજરાતના ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો માહોલ છે અને હવામાન ખાતાએ આગામી એક સપ્તાહ માટે જે આગાહી કરી છે તેમાં આજે ૮ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આખા ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ મેઘગર્જના સાથે હળવો વરસાદ થશે.

હવામાન ખાતાએ કહ્યું છે કે હાલમાં બંગાળીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં રાજ્યમાં મેઘરાજા વિરામ લઇ શકે છે. બીજી તરફ ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

મધ્ય પ્રદેશમાં ઉપરવાસમાં વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં પાણી આવ્યા છે. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૩૪.૪૫ મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં બે લાખ ૬૬ હજાર ૧૨૦ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ ૮૨ ટકા ભરાયો છે.

આજે ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થઇ શકે છે. હવે બધાની નજર સરદાર સરોવર ડેમ પર છે.

ઉપરવાસમાં પાણીની ભારે આવક થતા સરદાર સરોવર ડેમના પાંચ પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છે. નર્મદા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જો કે હવે ધીમે ધીમે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે.

અત્યારે ગુજરાતના ડેમની સ્થિતિ પર નજર નાખવામાં આવે તો રાજ્યના કુલ ૨૦૭માંથી પૈકી ૪૭ ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. સૌરાષ્ટ્રના ૧૪૧માંથી પૈકી ૩૫ ઓવરફ્લો થયા છે. કચ્છના ૨૦ પૈકી છ ડેમ અને દક્ષિણ ગુજરાતના ૧૩ પૈકી છ જળાશયો છલોછલ થઈ ગયા છે.

રાજ્યના જળાશયોમાં હાલમાં ૬૮.૧૩ ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં કુલ ૫૩.૧૨ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં કુલ ૫૧.૭૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં કુલ ૭૪.૯૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ જળાયોમાં ૪૮.૨૬ ટકા અને ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૪૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.

પાણીની સપાટી વધવાના કારણે ગુજરાતના ૮૮ ડેમને અલગ અલગ પ્રકારના એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ૯૦ ટકા સુધી ભરાઈ ગયેલા ૬૨ ડેમ હાઈ એલર્ટ પર છે, ૮૦થી ૯૦ ટકા ભરાયેલા ૧૫ ડેમ એલર્ટ પર છે અને ૭૦થી ૮૦ ટકા ભરાયેલા ૧૧ ડેમ વો‹નગ પર છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો ૬૯.૬૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમાં કચ્છમાં ૮૭.૧૭ ટકા વરસાદ, અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ૮૩.૧૭ ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં ૭૮ ટકા, ઉત્તર ગુજરાતમાં માત્ર ૫૨ ટકા વરસાદ પડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.