Western Times News

Gujarati News

સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા તાકીદ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી-મુખ્ય સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચિત કર્યા

૨૭ ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળાઓ બંધ રાખવા અનુરોધ

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર તેમજ રાહત કમિશનરશ્રીએ પણ જરૂરી સૂચનો કર્યા

આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ શ્રી રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ વિવિધ વિભાગના નોડલ અધિકારીશ્રીઓ ઉપરાંત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે તેમના જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલા માનવ મૃત્યુ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી પુરવઠા, પશુમૃત્યુ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર .એફની ટીમોની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેના આધારે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્યસચિવશ્રીએ સૂચનાઓ આપી હતી. સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા જણાવ્યું હતું.

મુખ્યસચિવ શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા અનુરોધ કર્યો હતો સાથોસાથ  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો જિલ્લામાં વરસાદ અંગેની પરિસ્થિતિ જાણીને તેમને શરૂ રાખવા સૂચનો કર્યા હતા.

વધુમાં, તમામ પ્રભારી સચિવશ્રીઓને પોતાના જિલ્લામાં હાજર રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા સૂચિત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી વાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીશ્રીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.

વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનીટરીંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવશ્રીએ આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર દ્વારા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવાયું હતું. રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીશ્રીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તકેદારીના તમામ પગલાં ભરવા જરૂરી જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.