Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હજારો કરોડોનું નુકસાન થયું

શિમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રવિવારથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ છે. રાજ્યના મુખ્ય સચિવ (મહેસૂલ) ઓનકાર શર્માએ જણાવ્યું કે, ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિમાં અત્યારસુધીમાં ૭૧ લોકોનાં મોત નીપજ્યાં છે.

આ સિવાય કાંગરા જિલ્લામાં પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક વિસ્તારો ડૂબી ગયા છે. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૧૭૦૦ લોકોને બચાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, આર્મી અને ઈન્ડિયન એરફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. Heavy rains in Himachal Pradesh caused losses worth thousands of crores

શિમલા તેની જ કટોકટીનો સામનો કરી રહ્યો છે, જેમાં કેટલીક ઈમારતો ભારે ક્ષતિગ્રસ્ત છે અને ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે. શહેરી વિકાસ વિભાગની છ માળની એક બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ હતી. મંગળવારે કૃષ્ણાનગરમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું કતલખાનું ધરાશાયી થયું હતું અને કેટલાંક મકાનો પણ તૂટી પડ્યા હતા. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. કેટલીક ઈમારતોને ભારે ક્ષતિ પહોંચી હોવાથી તે ગમે ત્યારે તૂટી પડી શકે એમ છે. જેના કારણે આસપાસના ૩૫ જેટલાં મકાનોને ખાલી કરાવવામાં આવ્યા અને તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ ૮૦૦ રસ્તાઓ બ્લોક છે અને ૨૪ જૂનથી ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭,૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. અગાઉ, જુલાઈમાં, મંડી, કુલ્લુ અને શિમલા સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો હતો.

નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રીએ કેન્દ્રને હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને ક્ષતિગ્રસ્ત માળખાના રાહત અને સમારકામ માટે રૂ. ૨,૦૦૦ કરોડનું ભંડોળ મુક્ત કરવા વિનંતી કરી છે.

શિમલાના સમર હિલ વિસ્તારમાં આવેલું શિવ બાવડી મંદિર પણ ભૂસ્ખલનનો શિકાર બન્યું હતું. મંદિર અચાનક ધરાશાયી થતા અનેક લોકો તેની નીચે દટાયા હતા. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે રેસ્ક્યુ ટીમે ૧૩મો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ સિવાય એક જ પરિવારના સાત સભ્યો, હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના બે પ્રોફેસરો અને લગભગ ૨૪ જેટલાં શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યાં છે.

બીજી તરફ, શ્રાવણ મહિનો હોવાથી મોટા ભાગના મંદિરોએ ભક્તોએ ઉમટ્યા છે. ખીરનો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને દુર્ઘટના સર્જાઈ હતી. તો ૬૫ વર્ષીય પવન શર્મા અને તેમના પરિવારના છ સભ્યોનાં મોત નીપજ્યા હતા. તો પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

આ રીતે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો કેટલાંક પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી તરફ, હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટ્યા છે. તો કેટલીક જગ્યાએ પ્રવાસીઓ પણ ફસાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.