પાકિસ્તાનમાં ભારે વરસાદથી ૭૭ લોકોનાં મોત નિપજ્યા
પાકિસ્તાનનાના જલવાયુ પરિવર્તન મંત્રી શેરી રહેમાને વરસાદને કારણે થયેલા મૃત્યુને રાષ્ટ્રીય આફત ગણાવી
ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ભારે વરસાદના કરાણે ૭૭ લોકોના મોત થયા છે. માત્ર બલુચિસ્તાન પ્રાંતમાં વરસાદના કારણે ૩૯ લોકોના મોત નોંધાયા છે. દેશના જલવાયુ પરિવર્તન મંત્રી શેરી રહેમાને વરસાદને કારણે થયેલા મૃત્યુને રાષ્ટ્રીય આફત ગણાવી હતી.
પાકિસ્તાનમાં થયેલા ભયંકર વરસાદના કારણે સેંકડો મકાનો ધરાશાયી થયા છે. મંત્રી રહેમાને જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
અહેવાલ અનુસાર, મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે, ભારે વરસાદને કારણે મૃત્યુ પામનારાઓમાં બાળકો, પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. સરકાર રાષ્ટ્રીય અને પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓની મદદથી વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે, પાણીનું સ્તર ઊંચું છે અને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. હાલમાં સમગ્ર પાકિસ્તાનમાં સરેરાશ વરસાદ કરતાં ૮૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રાષ્ટ્રીય મોનસુનને લઈને યોજના તૈયાર કરી છે. તેમણે લોકોને સતર્ક રહેવાની પણ અપીલ કરી હતી જેથી કરીને વધુ જાન-માલનું નુકસાન અટકાવી શકાય. મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે, આ મૃત્યુ અને વિનાશને રોકવા માટે અમને વ્યાપક યોજનાની જરૂર છે. કારણ કે આ બધો વિનાશ જલવાયુ પરિવર્તનને કારણે થઈ રહ્યો છે.