જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વરસાદ, ભૂસ્ખલનથી ભારે તબાહી: ત્રણનાં મોત

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના વાદળ ફાટ્યા બાદ અનેક વિસ્તારોમાં તબાહી મચી હતી. ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનમાં ૩ લોકોના મોત થયા છે. પૂરમાં અનેક મકાનો અને રસ્તાઓને મોટાપાયે નુકસાન થયું છે.
રેસ્ક્યુ ટીમ દ્વારા ૧૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂસ્ખલન અને કાદવ ધસી પડવાના કારણે નાશરી અને બનિહાલ વચ્ચે લગભગ એક ડઝન સ્થળોએ રસ્તો બંધ થઈ ગયો હોવાથી જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સ્થગિત કરાયો હતો.
૨૫૦ કિલોમીટર લાંબા હાઇવે પર સેંકડો મુસાફરો ફસાયેલા હતા, જે કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતો એકમાત્ર રસ્તો છે. સેરી બાગના ગામમાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે.
આ મૃત્યુઆંક સાથે જમ્મુ ક્ષેત્રમાં બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. શનિવારે મોડી રાત્રે રિયાસી જિલ્લાના અર્નાસ વિસ્તારમાં વીજળી પડવાથી એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા અને બીજી એક મહિલા ઘાયલ થઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરમ કુંડ ગામમાં અચાનક આવેલા પૂરને કારણે લગભગ ૪૦ રહેણાંક મકાનોને નુકસાન થયું હતું.
દસ ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા જ્યારે બાકીનાને આંશિક નુકસાન થયું હતું. સતત ધોધમાર વરસાદ છતાં ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓએ ૧૦૦થી વધુ ફસાયેલા ગ્રામજનોને બચાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વહેતા પ્રવાહને કારણે આવેલા પૂરમાં અનેક વાહનો તણાઈ ગયા હતા.SS1MS