4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદઃ ઠેર-ઠેર ટ્રાફિકજામ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બુધવારે અમદાવાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ થરૂ થયો હતો.
અમદાવાદના પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે પર વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતા, ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધમાધેકાર વરસાદ વરસ્યો હતો. જેમાં પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. આ સાથે વેજલપુર, સાયન્સ સિટી, શીલજ, વૈષ્ણદેવી, શિવરંજની,
ચાંદખેડા, ધુમા, બોપલ, આંબલી, જુહાપુરા, શ્યામલ, યુનિવર્સિટી રોડ, ભાડજ, રાણીપ, વાડજ, પંચવટી, મીઠાખળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ, ધોધમાર વરસાદને પગલે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ હતી.
રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે ૦૫ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદ, ભાવનગર જિલ્લામાં ઓેરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આજે (૦૧ ઓગસ્ટ) ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.
૨ ઓગસ્ટની આગાહી ઃ રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ દિવસે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.