ડીસામાં સાંઈબાબા મંદિર આગળ ભારે ટ્રાફિક ચક્કાજામ
ડીસા, દિવાળીના સપરમાં દિવસો હોવાથી શહેરી બજારમાં ભીડ જાેવા મળે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં શહેરીજનો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાંથી પણ અનેક લોકો ખરીદી માટે આવતા શહેરમાં ભારે ભીડભાડ થાય છે. તેવા સમયે જ સાંઈબાબા મંદિર આગળ વારંવાર ટ્રાફીકજામ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આજે પણ બપોરના સમયે અચાનક ટ્રાફિકજામ થઈ જતાં સતત બે કલાક સુધી વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. બપોરના સમયે જ ટ્રાફિકજામ થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ઉલ્લેખનીય છે કે સાંઈબાબા મંદિર એ શહેરનો મુખ્ય વિસ્તાર છે અને અહીં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં પણ દિવસમાં ત્રણથી ચાર વાર ટ્રાફિકજામ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.