મેદસ્વિતા અને વધુ પડતો વજન એ આરોગ્ય માટે જોખમી

રોજિંદા જીવનમાં આવશ્યક તાજા ફળો અને શાકભાજીમાં વિટામીનનો ભરપૂરત સ્રોત
જીવનશૈલી પરિવર્તનમાં ખાનપાન મહત્વનું અંગ
વડોદરા, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વસ્થ જીવન શૈલી અપનાવી જનજન સુધી આ સંદેશો પ્રસરાવવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. મેદસ્વિતા અને વધુ પડતો વજન એ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
જો કે, તકેદારીના પગલાં ભરવાથી મેદસ્વિતાનું નિવારણ લાવી શકાય છે. ખાસ કરીને બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા લેવા આવશ્યક છે. બાળકો, મહિલાઓ અને યુવાનો પુરૂષો સૌ કોઈ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય છે.
ટેકનોલૉજીના એડવાન્સમેન્ટ સાથે બાળકો પણ હાઈટેક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે બાળકોનો સ્ક્રિન ટાઈમ વધી રહ્યો છે. ડિજિટલ ઉપકરણોના ફાયદા સામે કેટલાક ગેરફાયદા છે અને તેમાં એક ગેરફાયદો વ્યાયામ અને આઉટડોર રમતોનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેના કારણે બાળકોનો સ્ક્રિન ટાઈમ વધી રહ્યો છે.
માતાપિતાએ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તેમનો સ્ક્રિન ટાઈમ ઓછો કરી, રમતગમત માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. મેદસ્વિતા માટે ખાનપાન પણ ખૂબ જ જવાબદાર છે. ઝડપી જીવનશૈલીમાં પેકેજ્ડ અને પ્રોસેસ ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે. તાજો અને પૌષ્ટિક આહાર વિસરાઈ રહ્યો છે. કુમળી વયે બાળકોમાં પેકેજ્ડ ફૂડ઼નું વળગણ ન થાય તે માટે તેમને રોજિંદા આહારમાં તાજો અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ.
તાજા ફળો અને શાકભાજીમાં વિટામીનનો ભરપૂરત સ્રોત હોય છે, જે રોજિંદા જીવનમાં આવશ્યક છે. બાળકોમાં ફળોની આદત કેળવી શકાય તે માટે તેમને મનગમતા ફળો ખવડાવવા જોઈએ. જેથી ન્યુટ્રિશન પૂરતા પ્રમાણમાં મળી રહે અને તેમનો સર્વાંગી વિકાસ થાય. જીવનશૈલી પરિવર્તનમાં ખાનપાન મહત્વનું અંગ છે, મેંદાવાળી ચીજવસ્તુઓ, મીઠાઈઓ, નાસ્તાના પેકેટ તેમજ કોલ્ડ્રીંક્સ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે પરંતુ તે આરોગ્યપ્રદ નથી.
બાળકોના સર્વાંગી શારીરિક વિકાસ અને આરોગ્ય માટે તેમને જંકફૂડ ન આપવું જોઈએ. મેદસ્વિતા-જાડાપણા અંગે અગમચેતી એ જ સલામતી છે. મેદસ્વિતાના કારણે નોન કોમ્યુનિકેશન ડિસિઝનો સામનો કરવો પડી શકે છે. મેદસ્વિતા અંગેની જાણકારી માટે ઊંચાઈ અને વજન સાથે બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)ના પરિમાણનો આધાર લેવામાં આવે છે. નજીકના આરોગ્ય કેન્દ્ર પર વજન અને ઊંચાઈ માપી શકાય છે.