હેમંત સોરેની બીએમડબલ્યુ કાર જપ્ત, એરપોર્ટ પર એલર્ટ
રાંચી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે સવારે ૭ વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં સોરેનના ઘર સહિત ૩ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. ઈડીની ટીમને અહીં સોરેન મળ્યા ન હતા, પરંતુ જતી વખતે ઈડીની ટીમે તેમની બીએમડબલ્યુ કારને જપ્ત કરી લીધી હતી. ઈડીદ્વારા જપ્ત કરવામાં આવેલી કાર હરિયાણાના નંબરની છે.
ઈડીની ટીમે સાવચેતીના પગલે હેમંત સોરેનને લઈને એરપોર્ટ પર એલર્ટ પણ આપ્યું છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોને પોતાના સામાન સાથે રાંચીમાં એક જગ્યાએ ભેગા થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રીના આવાસ પર પહોંચી રહ્યા છે. હેમત સોરેન ૨૭ જાન્યુઆરીએ રાંચીથી દિલ્હી જવા રવાના થયા હતા.
તેમની પાર્ટીએ સોમવારે કહ્યું કે સોરેન અંગત કામ માટે ગયા હતા અને ટૂંક સમયમાં રાંચી પરત ફરશે. જાે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઝારખંડ યુનિટે સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહીના ડરથી છેલ્લા ૧૮ કલાકથી ફરાર થઈ ગયા છે. ઝારખંડ ભાજપે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને આ બાબતે સંજ્ઞાન લેવા વિનંતી કરી અને કહ્યું કે ઝારખંડની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા દાવ પર છે.
અગાઉ ૨૦ જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રીની પૂછપરછ કરવા માટે રાંચી પહોંચી હતી. આ મહિનાની શરૂઆતમાં, સોરેને કેન્દ્રીય એજન્સીને પત્ર લખ્યો હતો કે તે જમીન કૌભાંડ કેસમાં તેમનું નિવેદન પોતાના સત્તાવાર નિવાસસ્થાન પર નોંધી શકે છે. ઈડીએ ૧૩ જાન્યુઆરીએ સોરેનને આઠમું સમન્સ પાઠવીને તેમને ૧૬ થી ૨૦ જાન્યુઆરી વચ્ચે હાજર રહેવા જણાવ્યું હતું. SS2SS