ચહેરાની ચમક વધારવાનો આ રહ્યો સરળ અને કુદરતી ઉપાય
ચહેરાને ચમકીલો કરવા માટે મોટા ભાગની યુવતિઓ બજારમાં મળતાં ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તેનાથી કામચલાઉ ચમક જ આવે છે. ત્વચાને ચમકીલી કરવા માટે કુદરતી સરળ ઉપાય કરવાથી લાંબા સમય સુધી ચહેરા પર ગ્લો રહે છે.
સવારે લીંબુ પાણીનું સેવન ઃ સવારે ઉઠ્યા પછી લીંબુ પાણીનું સેવન કરવાની ફાયદાકારક થાય છે. લીંબુમાં વિટામીન સી હોય છે જે ત્વચાને ચમક પ્રદાન કરે છે.
પાણી ઃ પાણી શરીરને ડિટોક્સીફાઈડ કરવામાં મદદ કરે છે. જે આપણા ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન ૧૫ ગ્લાસ પાણી પીવાથી ફાયદો થાય છે.
મુલતાની માટી ઃ મુલતાની માટી એક ચમચી લેવી તેમાં બે ચમચા ટામેટાનો રસ અને અડધો ચમચો દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. સુકાઈ જાય પછી ચહેરો ધોઈ નાંખવો. અઠવાડિયામાં બે વખત કરવાથી ત્વચા ચમકીલી થાય છે.
એલોવેરા ઃ સૂતા પહેલાં ચહેરા પર એલોવેરા લગાડવું. એલોવેરા ચહેરા પરના ખીલને ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ ત્વચાને હાઈડ્રેટ કરે છે.
હળદરયુક્ત દૂધ ઃ સૂતા પહેલાં હળદરયુક્ત દૂધ પીવું જોઈએ. હળદરમાં એન્ટી ઓÂક્સડન્ટ અને એન્ટી ઈન્ફેલમેટરી ગુણ સમાયેલા હોય છે. તે ત્વચાને ચીકણી કરે છે અને ચહેરા પર ચમક લાવે છે.
ટોનર ઃ ૨-૩ ચમચા ચોખાને રાતના પાણીમાં પલાળી દેવા અને સવારે અધકરચા વાટી નાખવા પછી તેમાં બે ચમચા લીંબુનો રસ ભેળવી પ્રવાહી જેવું રાખી એક શીશીમાં ભરી દેવું. એક સ્પ્રે બોટલમાં ભરીને ઉપયોગમાં લેવું. આ ટોનર લગાડતા પહેલાં ચહેરો ધોઈ નાખી સ્વચ્છ ટુવાલથી લુછી નાંખવો. ચહેરા પર ટોનર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે.
ફેસસ્ક્રબ ઃ ફેસસ્ક્રબ ચહેરા પરની મૃત ત્વચા દૂર કરે છે. તેમજ ચહેરા પરના ડાર્ક પેચથી રાહત આપે છે. કોફીનું એક નાનું પાઉચ લઈ તેમાં થોડી સાકર અને તેલ ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર ૨-૩ મિનીટ સુધી સ્ક્રબ કરવું અને સામાન્ય પાણીથી ધોઈ નાંખવું. અઠવાડિયામાં બે વખત કરવાથી ફાયદો થાય છે.
એક ચમચો કોફી અને એક ચમચો ચોખાનો લોડ ભેળવી તેની પેસ્ટ બનાવવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. આ પેસ્ટમાં ઈચ્છા હોય તો મધ પણ ઉમેરી શકાય છે. આ પેસ્ટ ચહેરા પર લગાડવી અને હળવે હાથે ત્વચાને મસાજ કરવો. સુકાઈ જાય પછી ધોઈ નાખવું.
દહીં ઃ દહીંમાં ત્વચાને પોષણ આપનારા તત્વો સમાયેલા છે તેમાંના લેક્ટિક એસિડ મોઈશ્ચરાઈજિંગ અને બ્લીચિંગના ગુણ સમાયેલા છે. તેથી દહીં ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. દહીં સાથે ચણાનો લોટ ભેળવી પેસ્ટ બનાવીને લગાડવું.
મધ ઃ ચહેરા પર મધ લગાડવાથી ત્વચા પરની ગંદકી દૂર થાય છે. મધ ચહેરા પર લગાડી થોડીવાર રહેવા દેવું અને પછી ચહેરો ધોઈ નાંખવો.