નિકોલમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટરમાંથી તાલીમબદ્ધ થઈને હેતલ દામાએ બોક્સિંગમાં કારકિર્દી બનાવી
ખેલ મહાકુંભથી શરૂ થયેલી હેતલ દામાની બોક્સિંગની સફરમાં અનેક મેડલના સ્વરૂપમાં ઉમેરાયાં સફળતાનાં સોપાન-કચ્છમાં જન્મ, અમદાવાદમાં તાલીમ અને બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ડંકો
સિનિયર નેશનલ કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ વિજેતા હેતલે સિક્કીમ ખાતે 54થી 57 કિગ્રાની કેટેગરીમાં મેળવ્યો વધુ એક બ્રોન્ઝ
રમતગમતના ક્ષેત્રમાં ગુજરાત અને ગુજરાતીઓની છબી બદલાઈ રહી છે. જેના મૂળમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર છે. જેને તાજેતરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની રમતગમતની સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓને મળતા મેડલના માધ્યમથી ચરિતાર્થ થતો જોઈ શકાય છે.
તેનું જીવંત ઉદાહરણ બની છે રાજ્યના રણપ્રદેશ કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી આવતી ખેલાડી હેતલ દામા. બોક્સિંગમાં રસ ધરાવતી હેતલ દામાને ખેલ મહાકુંભે એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ખેલ મહાકુંભમાં પસંદગી બાદ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને હેતલે 2018થી 2022 સુધી સતત પાંચ વર્ષ સુધી ગોલ્ડ મેડલ મેળવ્યા.
ખેલ મહાકુંભમાંથી મળેલા પ્રોત્સાહન અને પ્રેરણાથી હેતલે બોક્સિંગના ક્ષેત્રમાં જ આગળ જવાનું મન બનાવ્યું. 2018-19થી 2022-23 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ચાલતી સેન્ટર ફોર એક્સિલન્સ બિનનિવાસી યોજનાનો લાભ લીધા બાદ, તેણીએ 03/10/2023થી અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે બોક્સિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવી તાલીમ શરૂ કરી હતી.
તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલી 2023-24 રાષ્ટ્રીય સ્પર્ધામાં સિનિયર નેશનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે ખેલો ઈન્ડિયા સ્પર્ધા 2023-24માં મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. હાલમાં જ સિક્કિમ ખાતે યોજાયેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં હેતલ દામાએ 54થી 57 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
આમ, હેતલ દામા આજે કચ્છ જ નહીં, સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ બની ચૂકી છે. ત્યારે તે આ સફળતા બદલ સમગ્ર પરિવાર, તેને તાલીમ આપનાર કોચ અને વિશેષરૂપે રાજ્ય સરકારનો આભાર માને છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના સૂત્રને ધ્યેયવાક્ય બનાવીને રાજ્યસરકાર વિવિધ પ્રયાસો થકી ખેલકૂદના ક્ષેત્રમાં યુવાનોની મહત્તમ ભાગીદારી માટે કટિબદ્ધ છે.