હેં, એક ફાઈલ પર સહી કરવાના રૂ.૧૩/-કરોડ આપવા પડ્યા?

પ્રતિકાત્મક
125 કરોડની કિંમતની જમીનનાં દસ્તાવેજમાં જે તે ખાતા દ્વારા સરતચૂકથી (કે ઈરાદાપૂર્વક?) એક ગણોતિયાનું નામ સામેલ થઈ ગયું હતું. જેમાંથી નામ કમી કરાવવા 13 કરોડ સક્ષમ અધિકારીને આપવામાં આવ્યા?
જરાય સાચું માનવાનું મન ન થાય એવી એક વાત જાણવા મળી છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા જો સાચી માનીએ તો એવું બન્યું છે કે એક અરજદારની જમીન અંગેની ફાઈલ પર સહી કરવા માટે એક સક્ષમ અધિકારી દ્વારા રૂ.૧૩/-કરોડ લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ અંગેની વિગતો એવી છે કે બજાર ભાવની ગણત્રીને લક્ષમાં લઈએ તો રૂ.૧૨૫/-કરોડની કિંમતની ગણી શકાય તેવી એક જમીનનાં દસ્તાવેજોમાં જે તે ખાતા દ્વારા સરતચૂકથી (કે ઈરાદાપૂર્વક?) એક ગણોતિયાનું નામ સામેલ થઈ ગયું હતું. એ કઢાવવા જે પ્રક્રિયા કરવી પડે તે કરીને આખો મામલો પૂરો કરવા અને તેમાંથી બહાર આવવા માટે આ લાંચ આપવામાં આવી હતી એવું સંભળાય છે.
આમાં અરજદાર પણ દોષિત હોઈ શકે એ એવી શક્યતાને ય નકારી ન શકાય! પરંતુ તંત્રમાં લાંચની રકમ લેવાનું ધોરણ કઈ કક્ષાએ પહોંચ્યું છે તેનું આ એક ઉદાહરણ છે એટલું તો જરૂર કહી શકાય હોં!
બોલો લ્યો,પોતાના છોકરાને ન મારવાનાં બાપાએ રૂ.૫/- કરોડ આપ્યા?
સચિવાલયની કેન્ટીનમાં ચા પીતા પીતા એક સમૃદ્ધ વ્યક્તિએ ચાર-પાંચ પત્રકારો સમક્ષ કરેલી વાત જો સાચી હોય તો ઘટના એવી બની છે કે વાત કરનાર વ્યક્તિના એક ભાઈબંધનો દીકરો તેનાં મિત્રની કારમાં અમદાવાદ જતો હતો.
પોતાનુ ગંતવ્ય સ્થાન આવી જતા એ ઉતરી ગયો અને એ કારે આગળ જતાં અકસ્માત સર્જ્યો અને તેમાં સામેનાને ભારે ઈજા થઈ.પોલીસ કેસ થયો અને નિવેદન લેવાયાં તેમાં રસ્તામાં ઉતરી ગયેલા છોકરાનું નામ આવ્યું! સી.સી. ફૂટેજમાં એ દેખાયું પણ ખરું! એમાં એ છોકરાની ધરપકડ કરાઈ.હવે એ યુવાનનાં પિતા ધંધાર્થે પરદેશ હતાં એટલે તેઓએ તેમના મિત્રોને દીકરાને મદદે જવા કહ્યું.
એમાં શું રંધાયું એ તો રામ જાણે પણ એવું થયાનું કહેવાય છે કે અધવચ્ચે ઉતરી ગયેલા અને અકસ્માતમાં જેની કોઈ ભૂમિકા જ નહોતી એવાં છોકરાને ન મારવાનાં અને અને સત્વરે જામીન મળે તેવી કલમ લગાડવા માટે રૂ.૫/- કરોડ ખર્ચવા પડ્યા હતા! જરાય સાચી માનવાનું મન થાય એવી આ વાત જો સાચી હોય તો શોચનીય છે એવું નથી લાગતું?
જુનાગઢ જીલ્લાના સુપ્રિન્ટન્ડન્ટ પોલીસ હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ
આજકાલ ગાંધીનગર સચિવાલયમાં,અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.અને એમ.એડ.થયેલ તથા અમરેલીના વતની તેમજ જુનાગઢ જીલ્લાના સુ?પ્રિન્ટન્ડન્ટ ઓફ પોલીસ (એસ.પી.) તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષદ મહેતાનીની સ્વૈચ્છિક નિવૃત્તિની ચર્ચા સતત ચાલી રહી છે!ગુજરાત રાજ્યની ૨૦૧૭ની બેચના આ આઇ.પી.એસ. અધિકારી અને ઉમદા, પ્રમાણિક તથા સરકાર તેમજ સમાજમાં એક સરખું માનભર્યું સ્થાન ધરાવતા હર્ષદ મહેતાની વિદાય એ સાચા અર્થમાં સરકારને પડેલી એક ખોટ ગણી શકાય.
સચિવાલયના ગૃહ વિભાગમાં કામ કરી ચૂકેલા એક અધિકારીએ એવું કહ્યું કે કોઈ માણસ કાજલ કોટડીમાં સફેદ કપડે પ્રવેશે અને તેની પર એક પણ ડાઘ પડવા દીધાં વગર બહાર નીકળી જાય એ રીતે હર્ષદ મહેતા પોલીસ ખાતુ છોડી રહ્યા છે.બીજા એક અધિકારીએ એવું કહ્યું કે સરકારમાં ખૂબ ઓછાં આઇ.પી?.એસ.અધિકારીઓ નખશિખ પ્રમાણીક હોય છે
એમાંના હર્ષદ મહેતા એક હતાં.તેમની વિદાય ‘પાશેરમાંથી પાવળુ ઢોળાઇ જવાની’ ઘટના છે! સરકાર છોડી ગયેલા એક અધિકારી વિશે તેમની ઉપલી કચેરીનાં અધિકારી આવાં અભિપ્રાય આપે ત્યારે એવું લાગે કે ‘બંદે મેં દમ હૈ.’
એવું કહેવાય છે કે સંભવતઃ યૌવનકાળમાં પ્રેમમાં નિષ્ફળ જનાર હર્ષદ મહેતાએ પોતાનાં પ્રથમ પ્રેમની યાદમાં આજીવન કુંવારા રહેવાનું પસંદ કર્યું હતું.આધ્યાત્મિક ઝોક ધરાવતા મહેતા હવે જુનાગઢ જીલ્લામાં જ એક આશ્રમ સ્થાપીને આધ્યાત્મિક યાત્રા શરૂ કરવાનાં છે એવું પણ સંભળાય છે.હર્ષદ મહેતાના ચાહકો તેમને શિવાસ્તે પન્થાહાઃ કહેશે એ નિશ્ચિત છે.
ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું સ્મારક ખંડેર બનવા જઈ રહ્યું છે?
ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી તરીકે ૧૯૬૨મા આરૂઢ થયેલા બળવંતરાય ગોપાળજી મહેતા આજથી ૫૯ વર્ષ પહેલાં ભુજથી અંદાજે ૯૨ કિલોમીટર દૂર આવેલા સુથરી ગામ પાસે શહીદ થયા હતા.
આ અંગેનો ઈતિહાસ એવો છે કે ૧૯૬૫માં પાકિસ્તાન સાથે ચાલી રહેલાં યુદ્ધમાં કચ્છની પાકિસ્તાન સાથે સંકળાયેલી સરહદે શું સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા નીકળેલાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન ભારતીય સરહદમાં હોવાં છતાં પાકિસ્તાની લશ્કરે નાપાક હરકત કરીને સુથરી ગામ પાસે તોડી પાડેલું.
આ સ્થાન પર સદ્ગત મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જે હાલ બિસ્માર હાલતમાં છે અને ખંડેર બનવા તરફ ગતિ કરી રહ્યું છે.
એક તરફ સરકાર રણોત્સવ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને બીજી તરફ ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રીનાં શહીદ સ્મારકની સારસંભાળ માટે સરકાર પૈસા નથી!આ વાત માત્ર સરકાર માટે જ નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્ય માટે પણ શરમજનક ન ગણી શકાય?
ગુજરાત નેચરલ ર્ફામિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિની નિમણૂંક પણ અયોગ્ય છે?
તાજેતરમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ વિજ્ય શ્રીવાસ્તવની ગેરકાનૂની નિમણૂંક સામે હાઈકોર્ટમાં અપીલ થતાં તેઓએ રાજીનામું આપવું પડ્યું છે.એ અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના કુલપતિ શિરીષ કુલકર્ણીની નિમણૂંક પણ સુપ્રીમ કોર્ટે અમાન્ય ઠરાવી હતી અને તેઓએ જવું પડ્યું હતું.
હવે સચિવાલયમાં વહેતા થયેલા સમાચાર જો સાચાં માનીએ તો વડોદરા જિલ્લાના હાલોલ નામના ગામમાં સ્થપાયેલી ગુજરાત નેચરલ ર્ફામિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરજ બજાવતા ડો.સી.કે. ટીમ્બડિયાની નિમણૂંક પણ ગેરકાનૂની રીતે કરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ વાતમાં સત્ય કેટલું છે એ તો તપાસને આધિન ગણાય પણ આવી વાત વહેતી થાય એ પણ સૂચવે છે કે ક્દાચ, કશેક, કશુંક ખોટું થયું હોય એવી શક્યતા રહે છે! બાકી સાચું ખોટું તો રામ જાણે હોં!