Western Times News

Gujarati News

આભાસનો આકારઃ હ્દયની વાત, શબ્દો સંગાથ (વિજેતા કૃતિ)

૧) શીર્ષક: આભાસનો આકાર

કશું’ય કર્યા વગર એને હાંફ ચડી ગયો.. ઘરનું મંદિર ખોલી એની આગળ ધબાક્‌ કરતી બેસી પડી. જીવનભર જ્યાંથી હિંમત મળી હતી એ ઈશ્વર સામે નજર મેળવવાની આજ હિંમત નહોતી બચી. આંસુઓનું જાળું એમ પણ મૂર્તિને સ્પષ્ટ નિરખવા નહિ દે..છતાં’ય બેસી રહી.

અહીં જ તો રાહત હતી. ને બધું નજર સામે તરી રહ્યું! એને તો ક્યારેય ફ્રી સમય જ ક્યાં મળતો ?
સતત વીંળાયેલી, ગૂંથાયેલી એના બાળકોમાં! પણ, ક્યારે બાળકો ને પાંખ આવતા ઊડી ગયાં,ખબર જ ન પડી. એકદમ વૅક્યુમ, સૂનમૂન થઈ ગઈ, ત્યારે વ્યસ્ત પતિદેવે એને ર્સ્માફોન પકડાવ્યો અને એની સામે નિત નવી આભાસી દુનિયા ખુલતી ગઈ. એના શૂન્યવત્ એકાંતને આ રમકડાએ જાણે સભર બનાવી દીધો ને સાવ ખાલીખમ થઈ ગયેલ એના મનખંડને ભરી દેનાર અચાનક જ કોઈ આ ફોનમાં આવી પડ્‌યું.

હજુ તો, એ જાતને સંભાળે એ પહેલાં જ એના હૃદયમાં આખો ગુલાબબાગ ખીલી ગયો !
સતત એક એક ક્ષણનું સહિયારું જીવન શરૂ થઈ ગયેલું.  જમ્યાં કે નહીં? શું પહેર્યું? ક્યાં ગયેલા?
દિવસની ૪ સેલ્ફી આપવી ને માંગવી, એ ઓક્સિજન હતો ,એના વગર જાણે જીવાતું જ નહોતું. ૧૧ થી ૬ ના સમયમાં દૂર-સુદૂરના બે જીવ એક બનીને જીવી લેતા થયા પોતાના આ ૬ ઇંચના સ્માર્ટ કહેવાતા મોબાઇલની અંદર.

એની વાતો, વચનો, સાથ, સધિયારો ,એ એક વ્યક્તિમાં નવી દુનિયા જ હતી.
રજાવાળો એક દિવસ પણ મુશ્કેલ થઈ પડતો એક બીજા વગર.
“મારે તો બસ તારી ખુશી જોઈએ, બીજી કોઈ અપેક્ષા જ નથી!”
“આપણો પ્રેમ પ્લોર્નિક છે “ “છેલ્લા શ્વાસ સુધી તારાથી અલગ નહિ થઉં..”
ને ગઈકાલે અચાનક જ એની અંદરનો પુરુષ પ્રગટ થયો.. “હું ક્યાં પરાયો છું..જીવ ગણે છે તારો,તો પછી એલી ખુશી મને ન આપે..?”

“આપણે એક જ છીએ પછી શરમ શેની” “બસ એક વખત કૅમેરા સામે….”
આ શું, આવી માંગણી ? ના. ન હોય આ પ્લેનિક લવ … આ માંગણીનો નકાર, સ્પષ્ટ નકાર કરી દીધો….
નકારના જવાબમાં એ ફાક કરતો આૅફલાઇન થયો. ઘણું મથી કેમ ફોન ન લાગે ! મેસેજ ન જાય.!
ઓહ, બ્લાક કરી !!!! એણે મને ?? ??

પતિના મોબાઈલથી ચેક કરતાં જ નિહાળી પેલા પ્લોર્નિક લવરની નવી માયાજાળ નવી કોઈ સખી..! ઓહ ! કેટલા મહિનાઓ છેતરાતી રહી, પ્રેમનું આવડું માંઢુ નાક ? અસહ્ય. એ ધ્રુજી ઊઠી, મોબાઈલ એને ભયંકર ભાસ્યો,બેબાકળી બની, મોબાઈલ ફેંકી ને દોડી ગઈ ઘરના મંદિર તરફ. મન મંથન કરતું હિલોળે ચડ્‌યું પોતાની જાત ને કહેતું, બચી ગઈ ! નહીં તો ?
hi, nice dpથી શરૂ થયેલું આ કેવું ખતરનાક વમળ હતું. -મનીષા મહેતા, સુરત


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.