Western Times News

Gujarati News

વિદ્યાર્થિનીની છેડતી કરનારા શિક્ષકના જામીન હાઈકોર્ટે નકાર્યા

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે ૧૨ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના આરોપી સ્કૂલના શિક્ષકના જામીન નકાર્યા હતા અને અવલોકન કર્યુ હતુ કે, આવો જધન્ય અપરાધ જે સમગ્ર સમાજ અને ગુરુ તથા શિષ્યો વચ્ચેના સંબંધને અસર કરે છે તેને ખૂબ જ સખત રીતે જાેવો જાેઈએ.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાની પ્રાથમિક સ્કૂલના શિક્ષક નિહાર બારડ સામે ગયા જુલાઈ મહિનામાં ૧૨ વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરવા બદલ આઈપીસી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ આરોપીએ હાઈકોર્ટમાં નિયમિત જામીન માગ્યા હતા.

જાે કે, આરોપી શિક્ષકે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ફરિયાદીના વકીલે કોર્ટને કહ્યું હતું કે, જાે શિક્ષકને જામીન આપવામાં આવે તે તો તેમને કોઈ વાંધો નથી.

શિક્ષક અને બાળકીના માતા-પિતા વચ્ચે સમાધાનની વાત સાંભળીને જસ્ટિસ સમીર દવે નારાજ થઈ ગયા હતા. કોર્ટે એક સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કર્યો કે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા…અને સમાધાનની જે વાત આવી એના પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. કોર્ટે વધુમાં કહ્યું કે, આરોપી સામાન્ય માણસ નથી પણ એક શિક્ષક છે. અન્ય વ્યવસાયોને અસર કરતી એકમાત્ર કારકિર્દી શિક્ષણ છે.

તે ભવિષ્યની પેઢીઓના લાભ માટે યુવાનોને પ્રભાવિત કરવાની શક્તિ ધરાવે છે. શિક્ષક એક રક્ષક તરીકે કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. શિક્ષક દ્વારા કથિત કૃત્ય બાળકના મન પર કાયમી અસર છોડી દેશે એવો અભિપ્રાય આપતા કોર્ટે કહ્યું કે, આરોપીએ પિતા પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ દર્શાવવાના બદલે સમાજના રાક્ષસો સામે બાળકનું રક્ષણ કરવાના બદલે પોતાનો શિકાર બનાવ્યો.

આ એક એવો કિસ્સો છે કે જેમાં વિશ્વાસ સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને સમાજીક મૂલ્યોને ઠેસ પહોંચી છે. તેથી આવા આરોપી કોઈ સહાનુભૂતિ કે ઉદારતાને પાત્ર નથી.

હાઈકોર્ટે ભારતમાં બાળકીઓની અસહાય સ્થિતિ પર ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, બાળકો આપણા દેશના અમૂલ્ય માનવ સંસાધન છે અને તેઓ દેશનું ભવિષ્ય છે. આવતીકાલની આશા તેમના પર ટકી છે. પરંતુ કમનસીબે આપણા દેશમાં એક બાળકી ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં છે. તેમના શોષણની વિવિધ રીતો છે, જેમાં જાતીય હુમલો અથવા જાતીય શોષણનો સમાવેશ થાય છે. આવી રીતે બાળકોનું શોષણ માનવતા અને સમાજ વિરુદ્ધ ગુનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.