રસનાને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ
રસના જેવું ભળતું નામ રાખનાર કંપની સામે હાઈકોર્ટમાં અરજી-કંપનીએ રસાનંદ નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
(એજન્સી)અમદાવાદ, લોકપ્રિય રસના કંપનીએ તેના જેવા જ રસાનંદ નામ સાથે કંપનીનું રજીસ્ટ્રેશન કરતા હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રસનાની પ્રોડક્ટનું રજિસ્ટ્રેશન ૧૯૭૯થી અમલમાં છે.
પરંતુ તાજેતરમાં પેટસન નામની કંપનીએ તેમની પ્રોડક્ટનું રસાનંદના નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેના લીધે તેમની બ્રાન્ડને નુકસાન થઇ રહ્યું છે. રજિસ્ટ્રાર ઓફ ટ્રેડમાર્ક એક સરખા નામ ધરાવતી કંપનીને ટ્રેડમાર્ક માટે મંજૂરી આપી શકે નહીં. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે રસના કંપનીને રસનાનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ કર્યાે છે.
રસના કંપનીના ચેરમેન પિરૂઝ ખંભાતાએ કરેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની કંપની રસનામાં આ કંપનીએ ભળતો શબ્દ ઉમેરીને રસાનંદ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે અયોગ્ય છે. જેનાથી રસનાની પ્રતિષ્ઠાને નુકસાન થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, તેમના પૂર્વજોએ આપેલી ૧૦૦ વર્ષ કરતાં પણ જૂની કંપનીની શાખ હોવાથી સરખા ટ્રેડમાર્ક આપી શકાય નહિં.
સામા પક્ષે રસાનંદં કંપની તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે, બંને કંપનીની પ્રોડક્ટ અલગ છે અને આ કંપની પણ ૨૦ વર્ષ કરતાં જૂની છે. ૨૦ વર્ષમાં તેમણે રસના કંપનીના નામથી કોઈ ગેરલાભ લીધો નથી. રસના કંપનીએ અગાઉ કરેલી અરજી સિંગલ જજે ફગાવી દેતા તેને ખંડપીઠમાં પડકારવામાં આવ્યો હતો. ખંડપીઠે રસનાને રજિસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યાે છે. આગામી સુનાવણી દરમિયાન કોર્ટ કંપનીના નામ અંગે મહત્ત્વનો આદેશ આપી શકે છે.