Western Times News

Gujarati News

નવ ફાયર અધિકારીને ટર્મિનેટ કરવાના નિર્ણયને હાઇકોર્ટે રદ કરતા AMCને ઝાટકો

અમદાવાદ, નવ ફાયર અધિકારીઓને ખોટી રીતે શૈક્ષણિક લાયકાત મેળવી હોવાના ગ્રાઉન્ટ ઉપર ટર્મિનેટ કરવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના નિર્ણયને રદ કરતો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટના જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીએ આપ્યો છે.

ચુકાદામાં ઠરાવ્યું છે કે તમામ અધિકારીઓને બુધવારથી ફરજ ઉપર પરત લેવાના રહેશે. હાઇકોર્ટના ચુકાદાથી એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનને મોટો ઝાટકો પડ્યો છે, તો બીજી તરફ નવ ફાયર અધિકારીઓને મોટી રાહત મળી છે.

આ સમગ્ર મામલે અરજદાર કૈઝાદ દસ્તુર સહિત નવ અધિકારીઓને એએમસી દ્વારા ટર્મિનેટ કરવામાં આવતાં તેમણે કોર્પાેરેશનના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યાે હતો.

આ રિટમાં અરજદારો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘ઓથોરિટી દ્વારા ૨૨.૮.૨૦૨૪ના રોજ અરજદારને સર્વિસમાંથી ટર્મિનેટ કરવાનો આદેશ કર્યાે હતો. તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ કર્યા બાદ મનસ્વી અને અન્યાયી રીતે તેમને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારો ફાયર વિભાગની ઇમરજન્સી સર્વિસમાં જોડાવા માંગતા હતા અને તેથી તેના માટે નાગપુર એનએફએસસી ખાતે તેમણે જરૂરી અભ્યાસ અને કોર્સ કર્યાે હતો. આ કોર્સ કર્યા બાદ તેમને ફાયર વિભાગમાં સેવા પર લેવામાં આવ્યા હતા અને તેમને સ્ટેશન ઓફિસર તરીકે સેવામાં લેવામાં આવ્યા હતા.

તેમની ફાયર અધિકારી તરીકેની સેવાઓ શરૂ થઇ ગઇ હતી, ત્યારબાદ એક વ્યક્તિ કે જે પોતે અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળનો સભ્ય હોવાનો દાવો કરતો હતો, તેણે તેમની વિરુદ્ધ એક ફરિયાદ કરી હતી. જેમાં એવા આક્ષેપો કર્યા હતા કે અરજદારોએ નાગપુર ખાતેની સંસ્થા એનએફએસસીમાં બોગસ અને ઉપજાવી કાઢેલા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવ્યો હતો.

પ્રસ્તુત મામલે એક ફાયર અધિકારી અગાઉના ફાયર ઓફિસરનો પુત્ર હોવાથી તેમના પ્રભાવનો ઉપયોગ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર અને ડિવિઝનલ ઓફિસર તરીકેની નોકરી મેળવી લીધી હતી.આ ફરિયાદના આધારે કોર્પાેરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસના અંતે અરજદારોને ચાર્જશીટ આપવામાં આવી હતી અને એમાં તેમની વિરુદ્ધ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ચાર્જશીટનો વિરોધ કરતો જવાબ અરજદારોએ આપ્યો હતો કે તેમની વિરુદ્ધ કોઇ પુરાવા વિના આક્ષેપો કરવામાં આવ્યા છે.

જોકે ત્યારબાદ એક તપાસ સમિતિ બનાવી તપાસ કરવામાં આવી હતી અને તમામ કાર્યવાહી યોગ્ય રીતે કર્યા વિના જ અરજદારોને ટર્મિનેટ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે આદેશ ગેરકાયદે અને ગેરવ્યાજબી હોઇ તેને રદબાતલ કરવા રિટ પિટિશન કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.