છેતરપીંડી કરનાર બિલ્ડર- ડેવલપર્સ વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવાનો હાઈકોર્ટનો ઈન્કાર

આરોપીઓએ પધ્ધતિસર અને આયોજનપૂર્વક છેતરપીંડી કરી છે તેવી ફરિયાદ રદ થઈ શકે નહીં: કોર્ટ
અમદાવાદ, રેસીડેન્સીયલ સ્કીમમાં ગ્રાહકોને ફલેટ આપવાના બહાને તેઓની પાસેથી લાખો- કરોડો રૂપિયા ઉઘરાવી પધ્ધતિસરની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના ચકચારભર્યા કૌભાંડમાં હિંમતનગરની સ્વર્ણિમ રેસીડેન્સી મૂકનાર પ્રોટોન એન્જી. પ્લસના બિલ્ડર, ડેવલપર્સ- ભાગીદારો તરફથી કરાયેલી કવોશીંગ પિટિશન ગુજરાત હાઈકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આરોપી બિલ્ડર- ડેવલપર્સ વિરૂધ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.
જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ જણાવ્યું હતું કે બાર-બાર વર્ષના વ્હાણાં વીત્યા બાદ પણ બિલ્ડર- ડેવલપર્સ તરફથી ગ્રાહકોને નથી ફલેટનો કબજો અપાયો કે, નથી તો તેમના પૈસા પાછા અપાયા. આ પધ્ધતિસરનું ચીટીંગ છે. હાઈકોર્ટે પ્રસ્તુત કેસમાં આરોપી સંદીપ હસમુખભાઈ ચુડાસમા તથા અન્યો તરફથી કરાયેલી કવોશીંગ પિટિશન ધરાર ફગાવતાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂધ્ધ નિર્દોષ ખરીદદાર ગ્રાહકોના ભંડોળની છેતરપીંડી અને ઉચાપતના સ્પષ્ટ આરોપો છે
અને પ્રસ્તુત કેસમાં કલમ-૪૦૬, ૪ર૦ના ગુનાહિત તત્વો લાગુ પડે છે. આરોપીઓએ પધ્ધતિસર રીતે અને આયોજનપૂર્વક આ ચીટીંગ કર્યું છે, તેથી આરોપીઓ વિરૂધ્ધની ફરિયાદ રદ થઈ શકે નહી, તેથી તેઓની કવોશીંગ પિટિશન ફગાવી દેવામાં આવે છે.
આરોપી સંદીપ હસમુખભાઈ ચુડાસમા તથા અન્યોની કવોશીંગ પિટિશનનો સખત વિરોધ કરતાં અદાલતનું ધ્યાન દોર્યું હતું કે અરજદાર આરોપીઓએ પ્રોટોન એન્જી. પ્લસ ફર્મના બિલ્ડર- ડેવલપર્સ અને ભાગીદારો છે કે જેઓએ એકબીજાના મેળાપીપણામાં હિંમતનગર ખાતે આજથી બાર વર્ષ પહેલા સ્વર્ણિમ રેસીડેન્સી નામની સ્કીમ મૂકી હતી અને છ-બાર મહિનામાં ફલેટનો કબ્જો આપવાના ખોટા વચનો ગ્રાહકોને આપી તેઓની પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા.