વડોદરાના વાણી-વિલાસ કરતા મેજિસ્ટ્રેટની હકાલપટ્ટીના નિર્ણયને હાઈકોર્ટે બહાલ રાખ્યો

વડોદરામાં વકીલોની હડતાલ મુદ્દે એચસી- જિલ્લા જજ સામે આક્ષેપો કરેલા
અમદાવાદ, વર્ષ ૨૦૧૩માં ગુજરાત હાઈકોર્ટના વહીવટી જજ અને વડોદરાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજને અસંયમિત ભાષા પ્રયોગ કરતો પત્ર મોકલ્યા બાદ અનઅધિકૃત રીતે રજા પર ઉતરી ગયેલા વડોદરાના મેજિસ્ટ્રેટ નીલેશભાઈ ખુશાલભાઈ ચૌહાણને બરતરફ કરવા અંગેના હાઈકોર્ટ અને રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે બહાલ રાખ્યો છે અને કસૂરવાર મેજિસ્ટ્રેટની અરજી ફગાવી દીધી હતી.
હાઈકોર્ટની ખંડપીઠે અરજદાર મેજિસ્ટ્રેટને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરીને ગંભીર રીતે નોંધ્યુ હતું કે, સામાન્ય કર્મચારીઓની અનઅધિકૃત ગેરહાજરીને અલગ ધોરણોથી જોવામાં આવે છે પરંતુ ેક ન્યાયિક અધિકારીના કિસ્સામાં આ જ ધોરણો કે વલણ લાગુ પડી શકે નહી કે જેઓ તેમની ચોક્કસ સમસ્યાનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી તેઓ કામ પર આવશે નહીં તેવો પત્ર પાઠવીને રજા પર ઉતરી ગયા હોય.
હાઈકોર્ટે આ મેજિસ્ટ્રેટની હકાલપટ્ટીના નિર્ણયને બહાલ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો રિપોર્ટ કે જેમાં આ જ્યુડીશીયલ ઓફિસરના વર્તનને યોગ્ય ગણાવાયું ન હતું તેને યથાર્થ ઠરાવ્યો હતો. બરતરફ કરાયેલા મેજિસ્ટ્રેટ નીલેશ ચૌહાણ કે જેઓ તા.૧૩-૦૫-૨૦૨૩થી તા.૧૧-૭-૨૦૨૩ સુધી અનઅધિકૃત રજા પર ઊતરી ગયા હતા,
તેઓ તા.૨૪-૪-૨૦૨૩થી તા.૧૦-૫-૨૦૨૩ સુધી પેઈડ લીવ પર હતા એ દરમ્યાન વડોદરાના વકીલોની અચાનક હડતાળ મુદ્દે તેમણે વડોદરાના જિલ્લા મુખ્ય ન્યાયાધીશનું ધ્યાન દોર્યુ હતું. તેમણે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટના વહીવટી ન્યાયાધીશને અસંયમીત ભાષાનો પ્રયોગ કરતો પત્ર લખ્યો હતો, જેમાં
તેમણે જણાવ્યું હતું કે, વિરોધ કરી રહેલા વકીલો જેવા તત્વોના કારણે સમગ્ર ન્યાયિક પ્રણાલિ ગંભીર સડાનો સામનો કરી રહી છે. પત્રમાં એવો આરોપ લગાવાયો હતો કે, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને હાઈકોર્ટના વહીવટી જજ સીધી અથવા તો આડકતરી રીતે આવા તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેના કારણે જ્યુડીશીયલ સીસ્ટમનું અધઃ પતન થઇ રહ્યું છે.