સોનાના ઉંચા ભાવથી લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ વધી
તહેવારોની સિઝનમાં લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ વધી શકે છે
ગોલ્ડના ભાવ વધ્યા હોવાથી લોકો બજેટમાં સેટ થાય તે રીતે હળવા વજનની જ્વેલરી તરફ વળ્યા:કોવિડ અગાઉ ૩૦ ટકા વેચાણ હેવી જ્વેલરીનું હતું
નવી દિલ્હી, બદલાતા સમયની સાથે જ્વેલરીની ફેશન સતત બદલાતી રહે છે. તેમાં યુવાવર્ગની પસંદગી તથા સોનાનો ભાવ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તહેવારોની આગામી સિઝનમાં લાઈટ વેઈટ જ્વેલરી માટે જાેરદાર ડિમાન્ડ પેદા થવાની શક્યતા છે. ગોલ્ડના ભાવ અત્યંત વધી ગયા હોવાથી લોકો પોતાના બજેટમાં સેટ થાય તે રીતે હળવા વજનની જ્વેલરી તરફ વળ્યા છે. જ્વેલર્સ એસોસિયેશનના માનવા પ્રમાણે દિવાળી સિઝનમાં કુલ વેચાણમાં લાઈટ જ્વેલરીનો હિસ્સો ૭૫થી ૮૦ ટકા રહેવાની શક્યતા છે,
જ્યારે હેવી જ્વેલરીનો હિસ્સો માંડ ૨૦ ટકા રહેશે. કોવિડ અગાઉ ૩૦ ટકા વેચાણ હેવી જ્વેલરીનું હતું જેમાં હવે ૧૦ ટકાનો ઘટાડો થયો છે.ગુજરાતમાં હેવી જ્વેલરીની ખરીદીમાં ગ્રામીણ વિસ્તાર વધારે આગળ હોય છે કારણ કે ત્યાં લગ્નસરા માટે ઘરેણાની ખરીદી થતી હોય છે. બીજી તરફ શહેરી વિસ્તારોમાં યુવાનો લગ્નમાં પણ લાઈટ વેઈટ જ્વેલરી પસંદ કરે છે. જ્વેલર્સ એસોસિયેશન, અમદાવાદના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું કે આગામી દિવાળી અને લગ્નની સિઝન માટે જ્વેલરીની ખરીદી શરૂ થઈ ગઈ છે. ૩૦થી ૨૫૦ ગ્રામની જ્વેલરીને હેવી જ્વેલરીમાં ગણવામાં આવે છે
અને કુલ વેચાણમાં તેનો હિસ્સો ૨૦ ટકા રહી શકે છે જે અગાઉ ૩૦થી ૩૫ ટકા હતો. છેલ્લા ત્રણ વર્ષમાં સોનું મોંઘું થયું છે અને તેની અસર હેવી જ્વેલરીની ખરીદી પર પડી છે.છેલ્લા કેટલાક વર્ષમાં શહેરી વિસ્તારોમાં લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ વધી છે. હેવી જ્વેલરીની માંગ માત્ર બ્રાઈડલ સેટ માટે જાેવા મળે છે. માર્ચ ૨૦૨૦માં સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૩૮,૦૦૦ હતો જે વધીને ઓગસ્ટમાં ૫૭,૦૦૦ પર પહોંચ્યો હતો અને હવે રૂ. ૫૩,૦૦૦ની આસપાસ ચાલે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પ્રમાણે છેલ્લા એક ક્વાર્ટરમાં સોનું મોંઘું થવાના કારણે સોનાની ડિમાન્ડમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે. જ્વેલરી માર્કેટ માને છે કે વેડિંગ સિઝનમાં પણ લોકો લાઈટ વેઈટ જ્વેલરી તરફ વળશે.ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ડિરેક્ટર હર્ષ આચાર્ય માને છે કે, “નવી પેઢીના લોકો ગોલ્ડના સિક્કા ખરીદે છે અથવા ડિજિટલી રોકાણ કરે છે. તેઓ લાઈટ જ્વેલરી વધારે પસંદ કરે છે.
હવે ગ્રામીણ વિસ્તારોમાં જ લગ્નસરા માટે હેવી જ્વેલરીની માંગ જાેવા મળે છે.” જ્વેલર્સ એસોસિયેશન મુજબ અમદાવાદમાં ગોલ્ડ જ્વેલરીના ઉત્પાદન સાથે સંકળાયેલા લગભગ ૧.૫૦ લાખ કામદારો છે. જુદા જુદા એક્ઝિબિશન કર્યા પછી તેમની પાસે સારા એવા પ્રમાણમાં ઓર્ડર્સ છે. લોકોમાં ટ્રેન્ડ બદલાયા પછી ૧૮ કેરેટની જ્વેલરીની વધારે માંગ છે.SS1