“હાઈકોર્ટાે અને સુપ્રિમ કોર્ટની જવાબદારી મોટી બનતી જાય છે કેમ ?!”

સુપ્રિમ કોર્ટમાં સંનિષ્ઠ, સક્ષમ અને નિડર ન્યાયાધીશો ના બેઠા હોત તો ગમે તે પક્ષના ધારાસભ્યો કે સાંસદો એવા કાયદા ઘડતા હોત કે લોકોની અભિવ્યક્તિની આઝાદીનો “મૃત્યુ ઘંટ” વાગી જાત ?!!
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સનું નેતૃત્વ અખબારી સ્વાતંત્ર્યને મજબુત સમર્થન કરે છે તેથી કોર્ટાેએ ભાગ્યે જ તેમાં અવલોકન કરવું પડે છે ! કારણ કે વધુને વધુ સુશિક્ષિતો ચૂંટાય છે ! આપણા ત્યાં કયારેક ઓછું ભણેલા અને કથિત રીતે ક્રીમીનલોને ટિકીટ અપાય છે ?!
તસ્વીર ગુજરાત વિધાનસભાની છે ! બીજી તસ્વીર ભારતની સંસદની છે ! અને ત્રીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો કાયદાની રચના કરે છે પણ દરખાસ્ત તો સરકારની હોય છે ! એ જ રીતે લોકસભામાં સાંસદો કાયદો ઘડે છે પણ તેની દરખાસ્ત પાછળ સરકાર હોય છે ! ત્યારે ભારતની સમસ્યા એ છે કે ગુજરાત વિધાનસભામાં ચૂંટાતા પ્રધાનો બનતા નેતાઓ કયારેક ભણેલા હોય છે ને કયારેક સાવ ઓછું ભણેલા હોય છે !
પણ સરકાર ચલાવતા, ચલાવતા એવા કાયદાઓ ઘડી કાઢે છે કે, “જે દેશના મૂળભૂત બંધારણ સાથે સુસંગત ન હોય ! કેન્દ્ર સરકારમાં પણ કયારેક આવી ભુલો થાય છે”!! પોતાને લાગે છે અને કાયદો ઘડી કાઢયો એટલે એ સાચો જ છે ?! પણ સવાલ એ છે કે ગુજરાત વિધાનસભા હોય કે લોકસભા હોય દેશના બંધારણનો અભ્યાસ કેટલાને છે ?! પછી એવો જ કાયદો સરકારો રચે છે તેને હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં પડકારતા તે રદબાતલ ઠરે છે !
અને પોલીસ અધિકારીઓ ભણેલા હોય છે પણ એ ફકત કાયદાનો અભ્યાસ કરે છે પણ દેશના બંધારણ જાણતા ન હોય એવા નિર્ણયો કરે છે ! સાચા ગુન્હા નોંધવામાં વિલંબ કરે છે ને ખોટા ગુન્હા ઝડપી નોંધી નાંખે છે ! માટે વકીલો, પ્રજા વિચારે કે અભણ ઉમેદવારોને ક્રીમીનલ અપકૃત્યના આક્ષેપો હોય તેવાઓને ચૂંટવાનું બંધ કરો પછી એ ગમે તે પક્ષના હોય !
આઝાદી પછી રાજકીય પક્ષોને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, એ.પી.જી. અબ્દુલ કલામ આઝાદ જેવા વ્યક્તિઓ નથી મળતાં ?! કેમ નથી મળતાં ?! કે પછી રાજકીય પક્ષોને એવા ઉમેદવાર પસંદ નથી ?! ‘અધર્મ આચરતા’ કથિત રીતે અધર્મ આચારનારા ‘ધર્મ’ ને નામને ચૂંટાશે તો ચૂંટાનારા પણ દોષમુકત નહીં હોય ?! બધું જ સુપ્રિમ કોર્ટ કરશે તો આપણે શું કરવાનું છે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, “આપણી પાસેથી વાણી સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવે તો આપણે એવા ઘેંટા જેવા બની જઈશું જે મુંગા મોઢે કતલખાને લઈ જવાતા હોય”!! જયારે ભારતની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી પતંજલી શાસ્ત્રીએ અભિવ્યક્તિની આઝાદી પર ચૂકાદો આપતાં એવું અવલોકન કર્યુ હતું કે, “વાણી અને અખબારી સ્વાતંત્ર્ય બધાં જ લોકતાંત્રિક સંગઠનોના પાયામાં પડેલા હોય છે કારણ કે મુકત રાજકીય ચર્ચા વિચારણા વિના પ્રજાલક્ષી શાસન તંત્રની યોગ્ય કામગીરીની કાર્યવાહી માટે અવશ્ય એવું લોક શિક્ષણ શકય જ નથી !
જે ડાળીઓ યોગ્ય ફળ આપે છે તેમને કાપીને તેમની તાકાતને હાનિ પહોંચાડવી તેના કરતા કેટલીક નુકશાન કારક ડાળીઓને મનફાવે તેમ ઉગેલી રાખવી તે બહેતર છે”!! (રમેશ થાપર વિરૂધ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ એ.આઈ.આર. ૧૯૫૦ એ.સી. ૧૨૪, ૧૨૫) આમ લોકશાહીમાં અભિવ્યક્તિની આઝાદીએ પાયાનો સિધ્ધાંત છે ! જેને વિશ્વના મહાન લોકશાહી દેશોએ અને વિશ્વના ન્યાય મંદિરોએ તેના સાતત્યનો સ્વીકાર કર્યાે છે !!
અખબારી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી એ ત્રિરંગાની શાન છે ! કોઈપણ સરકાર તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દબાવવા પ્રયત્ન કરે છે ત્યારે વખતો વખત દેશની સુપ્રિમ કોર્ટે સરકારી અધિકારી અને સરકારનું નેતૃત્વ કરતા નેતાઓની શાન ઠેકાણે લાવતા અનેક ચૂકાદાઓ આપીને દેશના બંધારણમાં પ્રાણ પુર્યા છે !!
ભારતીય બંધારણની કલમ-૧૯(૧)(એ)
દરેક ભારતીય નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્ર્યનો અધિકાર બક્ષે છે અને માટે અભિવ્યક્તિની સ્વાતંત્ર્યના અધિકારમાં અખબારી સ્વાતંત્ર્યને સામાજીક અને રાજકીય આપ-લે નું હાર્દ છે એમ ભારતની સુપ્રિમ કોર્ટે સ્વીકાર્યું છે ! સુપ્રિમ કોર્ટે એકસપ્રેસ ન્યુઝ પેપર્સ (પ્રા) લી વિરૂધધ યુનિયન ઓફ ઈન્ડિયા એ.આઈ.આર. ૧૯૫૮ એ.સી. ૫૦૮ માં એવું અવલોકન કર્યુ છે કે
કોર્ટની આ અખબારી સ્વાતત્ર્યનું જતન કરવાની અને આ બંધારણીય આદેશથી વિપરીત હોય તે બધાં જ કાયદા કે વહીવટીતંત્રીય પગલાને ગેરબંધારણીય ઠરાવવાની પ્રાથમિક ફરજ છે ! બ્રિટનના મહાન ન્યાયાધીશ લોર્ડ એકટીને તો ત્યાં સુધી કહ્યું છે કે, “તોપોના ગડગડાટ વચ્ચે અને તલવારોના ખણખણાટ વચ્ચે બ્રિટનમાં કાયદાના શાસનનો અવાજ ડુબી જતો નથી ! આ છે આઝાદી”!!
અમેરિકાના પ્રમુખ મેડીસન અને જેફરસને કહ્યું છે કે, ‘લોકશાહી એટલે પ્રજાની સરકાર તો ખરી જ, પરંતુ સાથોસાથ લોકશાહી એટલે પ્રજા દ્વારા ચાલતી સરકાર તરીકે ઓળખાય છે’!! માટે મુકત વાણીની અભિવ્યક્તિ દ્વારા જ સરકારને જવાબદાર રાખી શકાય છે ! લોકશાહી વ્યવસ્થામાં વાણી સ્વાતંત્ર્યનો હકક પાયામાં રહેલો છે ! એ જ રીતે ફ્રાન્સની ક્રાંતિએ વિશ્વને સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવની ઉદાર ભેટ આપી છે ! ફ્રાન્સના એક મેગેઝીનમાં ફ્રન્ટ પેઈજ ઉપર સ્ત્રી મોડેલોના નગ્ન ફોટા છાપે છે પણ ત્યાં લોકો તેના પર વાંધો નથી લેતા કે કોર્ટની પાબંદી નથી !
સવાલ થાય કે આવું કેમ ?! તો ત્યાંના સમાજે “હીટલરશાહી” ના સમયમાં લોકોને અમાનવીય રીતે જીવતા અને મરતા જોયા છે ! માટે ફ્રાન્સની પ્રજા સંપૂર્ણ આઝાદી ઈચ્છે છે તેથી ત્યાં આવી પણ અભિવ્યક્તિની આઝાદી છે એવું કહેવાય છે !!
તાજેતરમાં ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એ. એસ. ઓકા અને જસ્ટીસ શ્રી ઉજજવલ ભુયાનીની બેન્ચે ગુજરાત પોલીસ વિષે કહ્યું કે, “ગુન્હો દાખલ કરતા પૂર્વે થોડી સંવેદનશીલતા બતાવવાની જરૂર છે”!!
આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ગુજરાતની પોલીસને બંધારણીય મૂલ્યો અને પ્રજાના અધિકાર શું છે તે ખબર નથી અને કાયદાનું શાસન અને બંધારણીય પરિપ્રેક્ષ્યમાં આવે છે તે પણ જાણે સમજ નથી તેના પર પ્રકાશ પાડતો એક ચૂકાદો સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એ. એસ. ઓકા અને જસ્ટીસ શ્રી ઉજજવલ ભૂયાનીની બેન્ચે આપ્યો છે !
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓએ એવું અવલોકન કર્યુ છે કે, “પોલીસે ગુન્હો દાખલ કરતા પહેલા થોડી સંવેદનશીલતા બતાવવાની જરૂર હતી”!! સુપ્રિમ કોર્ટે કોંગ્રેસી સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરેલી જેના સંદર્ભે ગુજરાત પોલીસે એફ.આઈ.આર. દાખલ કરેલી !!
આ સંદર્ભે સુપ્રિમ કોર્ટેે એવું પણ અવલોકન કર્યું છે કે, “ભારતમાં આઝાદ ભારતનું બંધારણ લાગુ થયાના ૭૫ વર્ષ પછી પણ હવે પોલીસ વાણી અભિવ્યકતિની સ્વતંત્રતાને સમજવી જોઈએ” આ ન્યાયાધીશોએ સાંસદ પ્રતાપગઢી સામે કરાયેલી એફ.આઈ.આર.ને અયોગ્ય ઠરાવી છે ! આ કેસની હકીકત એવી છે કે, સાંસદ પ્રતાપગઢીએ જામનગર ખાતેના એક લગ્ન પ્રસંગે હાજરી આપ્યા બાદ વિડીયો અપલોડ કર્યાે હતો !
વિડીયોના બેકગ્રાઉન્ડમાં એક કવિતા સંભળાતી હતી ! “એ ખૂન કે પ્યાસે બાત સુનો” કવિતાના શબ્દો વાંધાજનક હોવાના દાવા સાથે પોલીસે ગુન્હો નોંધ્યો હતો ! કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે, આ કવિતામાં અહિંસાનો સંદેશો હતો અને તેને ધર્મ સાથે કોઈ સબંધ ન હતો ! કવિતામાં દેશદ્રોહી અભિવ્યક્તિ પણ ન હતી ! હકીકતમાં આ કવિતામાં અન્યાયકર્તાઓ પ્રત્યે પણ પ્રેમ દર્શાવવામાં આવેલ છે ! ગુજરાતના વકીલો અને જનતા વિચારે કે સરકારને ખુશ કરવાની હોડમાં ગુજરાતમાં કેવું ચાલી રહ્યું છે ?! સુપ્રિમ કોર્ટ આ દેશમાં ન હોય તો શું થાય ?! ગુજરાત હાઈકોર્ટે પણ અવલોકન કરવામાં શરતચૂક કરી હતી ?!