હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો અનુરોધ:બાળકોને તેમની જાતીય સતામણી અંગે સમજ-જાગૃતિ આપવી જરૂરી
ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમ્યાન ‘અહેસાસ ન્યાય કા સબકે લિયે’ની અનોખી ઝૂંબેશ હાથ ધરાશે
અમદાવાદ, બાળકોનું જાતીય શોષણ અને જાતીય સતામણી એ ગંભીર સામાજિક પ્રશ્ર છે અને આ સંવેદનશીલ મુદ્દે સમયાંતરે બાળકોને સમજ અને જાગૃતિ આપવી ખૂબ જરૂરી છે એમ અત્રે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે ગાંધી જયંતિ નિમિતે બાળકો માટે ડ્રોઈંગ વર્કશોપ- સ્ટ્રોકસના આયોજન દરમ્યાન ચીફ જસ્ટિસે આ મુજબ જણાવ્યું હતું.
બાળકોની જાતીય સતામણી વિષય સંબંધી જાગૃતિ અને તેઓમાં સમજ કેળવાય તે હેતુથી ગુજરાત હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓના બાળકો માટે આયોજિત આ ચિત્ર સ્પર્ધામાં છ થી આઠ વર્ષ, ૯ થી ૧ર વર્ષ અને ૧૩ થી ૧૬ વર્ષ એમ ત્રણ શ્રેણીમાં બાળકો દ્વારા ગુડ ટચ અને બેડ ટચ વિષય પર વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા.
જેને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, જસ્ટિસ એ.વાય.કોગજે, જસ્ટિસ પ્રણવ ત્રિવેદી સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન આપી તેમની સરાહના કરી હતી. આજના વિશેષ વર્કશોપમાં કુલ રરપ બાળકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત પહેલાં બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિષયની સમજ આપતી એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. બીજીબાજુ તા.પમી ઓકટોબરથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સમિતિ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન જેન્ડર સેન્સીટાઈઝેશન કાર્યક્રમ- અહેસાસ ન્યાય કા સબ કે લિયે ના નામથી અનોખી ઝુંબેશ હાથ ધરાશે.