ચાર રસ્તા પર જુઓ કોન્સ્ટેબલ શું કરી રહ્યા છેઃ હાઈકોર્ટનો ટ્રાફિક પોલીસને વેધક સવાલ
અમદાવાદ: શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી ધરવામાં આવી હતી. એએમસી અને ટ્રાફિક જેસીપી દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. સોગંદનામા પર હાઇકોર્ટની ટકોર કરી હતી કે “૪ અઠવાડિયા થયા પણ અમે રોડ પર કોઈ ડિફરન્સ જોઈ રહ્યા નથી.
તમે ક્રોસિંગ રોડ પર જઈને જુઓ તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. પાનના ગલ્લે ઉભેલા લોકો અને ક્રોસ રોડ પર તમારા કોન્સ્ટેબલમાં કોઈ ફર્ક જોવા નહીં મળે.”
ટ્રાફિક જેસીપીના સોગંદનામા પર અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં તેમને દલીલ કરી હતી કે સોગંદનામાના નામે ફક્ત આશ્વાસન જ મળે છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે.
જો કે સરકારી વકીલ દ્વારા બોપલ-આંબલી રોડ, કારગીલ જંક્શન રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે ટકોર કટી હતી કે, અમદાવાદ માત્ર ૩ એરિયા પૂરતું જ સીમિત નથી અને અમે અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ.
૧થી ૧૫ ઓગસ્ટ સુધી જુદા જુદા ગુનાઓમાં સામે નોંધેલા કેસ અને દંડની વિગત અમદાવાદ શહેર પોલીસે અને એએમસીએ હાઇકોર્ટમાં જણાવી હતી. જેમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ ૩૩૦૦ કેસ અને રૂ.૧૪,૮૬,૦૦૦નો દંડ વસૂલાયો છે. રોંગ લેન ડ્રાઇવિંગ બદલ ૨૦ કેસ કરવામાં આવ્યા છે અને ૧૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ટુ વ્હીલર પર ૨થી વધુ લોકો સામે ૨,૯૩૩ કેસ કરવામાં આવ્યા જે પૈકી ૨,૯૯,૬૦૦ દંડ વસૂલ કરાયો છે.
હેલ્મેટ વિના ડ્રાયવિંગ કરતા ૨૮,૦૯૯ કેસ ૧,૩૧,૮૭,૧૦૦ નો દંડ વસુલાયો છે. નો ર્પાકિંગ બદલ ૧૫૩૧૨ કેસ કરવામાં આવ્યા છે જેમાં રૂ ૮૩૦૩૭૦૦ દંડ વસૂલ કરાયો છે. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ ૪૮૬ ગુના ૨,૪૩,૫૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ ૨૫૪૮ કેસ કરાયા છે જેમાં રૂ. ૧૨,૯૩,૫૦૦ નો દંડ વસૂલાયો છે.
દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ ૩૨૪ કેસ નોંધવામાં આવ્યા છે જેમાં ૧૪,૮૧,૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ફેન્સી નંબર પ્લેટ બદલ ૨૪૫ કેસ કરી ૮૯૭૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગાડીમાં ડાર્ક ફિલ્મના ઉપયોગ બદલ ૩૭૮ કેસ અને ૧,૯૪,૬૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ભયજનક ડ્રાઇવિંગ બદલ ૧૬૮૮ કેસ અને ૩૪ લાખ ૭૬ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓવર સ્પીડિંગ બદલ ૪૬૫૨ કેસ અને ૧૦૩૮૭૫૦૦ દંડ, રેડ લાઈટ વાયોલેશન બદલ ૩૦,૮૬૮ કેસ ૨૧૨૬૦૭૦૦ દંડ કરવામાં આવ્યો છે.