Western Times News

Gujarati News

રાજ્યના યુવક-યુવતીઓ માટે હિમાલયમાં નિ:શુલ્ક માઉન્ટેનીયરીગ કોર્ષનું આયોજન

પ્રતિકાત્મક

ઇચ્છુક ઉમેદવારે તા.૧લી માર્ચ-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે- વધુમાં વધુ ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે

તાલીમાર્થીઓની પસંદગી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા-માઉન્ટ આબુ દ્વારા કરાશે

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા તા. ૧લી એપ્રિલ,૨૦૨૩ થી ૨૮મી માર્ચ, ૨૦૨૪ દરમિયાન વિવિધ બેચમાં જવાહર પર્વતારોહણ સંસ્થાન, પહલગામ તથા

હિમાલયન પર્વતારોહણ સંસ્થાન, દાર્જલીંગ ખાતે યોજાનાર બેઝીક અને એડવાન્સ માઉન્ટેનીયરીંગ કોર્ષ, મેથડ ઓફ ઇન્સ્ટ્રકશન તેમજ સર્ચ એન્ડ રેસ્ક્યુ કોર્ષની તાલીમ મેળવવા ઇચ્છુક તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેમાં ૪૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર આ તાલીમમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ સાદા કાગળમાં અરજી કરવાની રહેશે. અરજીમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મતારીખ, ઇ-મેઇલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત, માન્ય યુનિવર્સિટીની સ્નાતકની પદવી વગેરે બાબતો અચૂક જણાવવાની રહેશે.

અરજી સાથે શારીરિક તદુંરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, જન્મ અને રહેઠાણનો પુરાવો કોવિડના બન્ને ડોઝ લીધાનું પ્રમાણપત્ર, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા-માઉન્ટ આબુનો ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨ર-૨૦૨૩માં માઉન્ટ આબુ સંસ્થા/જુનાગઢ કેન્દ્ર ખાતે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો પણ દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો તથા બિડાણો સાથેની અરજી તા.૦૧/૦૩/૨૦૨૩ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ને નિયત તારીખ સુધીમાં હાર્ડકોપીમાં મોકલી આપવાની રહેશે. તથા શારીરીક કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની પસંદગી લાયકાત, ગુણવત્તા તથા શારીરીક કસોટીના આધારે થશે. પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક તાલીમ ખર્ચ પુરો પાડવામાં આવશે તથા પ્રવાસ ખર્ચ અને અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને જો તેમની પસંદગી થઈ હશે તો ટેલીફોનીક જાણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.