હિંમતનગર સિવિલમાં ભૂતિયા કર્મચારીને 4 મહિના સુધી પગાર મળ્યો

હિંમતનગર, હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરી, અનિયમિતતા, વસ્તુઓની ખરીદી મામલે અવારનવાર બૂમ ઉભી થાય છે પરંતુ મેડીકલ કોલેજ અને સીવીલમાં કોન્ટ્રાકટ બેઝથી કામ કરી રહેલ વર્ગ-૪ના કર્મચારીઓ પૈકી એક કર્મચારી ફરજ પર ન આવવા છતાં મસ્ટરમાં નિયમિત હાજરી અને દર મહિને પગાર થઈ જતો હોવાનું બહાર આવ્યું છે.
આખોએ મામલો તપાસ દરમિયાન જાહેર થઈ જતા જાન્યુઆરી માસના હાજરી પત્રમાં ભૂતિયા કર્મચારી શિલ્પા ઠાકોરના નામે થતી સહીઓ બંધ થઈ ગઈ હતી. આખોયે મામલો ડીન સમક્ષ પહોંચ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી અને કુલ ૧૦૩ કર્મચારીઓને બે ગ્રુપમાં રૂબરૂ બોલાવતા ૧૦ર કર્મચારીઓ જ ઓળખ પરેડમાં હાજર રહયાં હતાં એક કર્મચારી આવ્યો ન હતો. અને તમામે સહકર્મીની ઓળખ અને નામ આપ્યા હતા. જેને પગલે કમીટી બનાવી તપાસ હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો છે.