હિંદુજા પરિવારે 1980ના દાયકામાં લંડન મહાનગરમાં દિવાળીના તહેવારની ઉજવણી શરૂ કરી હતી
હિંદુજા પરિવારે વૈશ્વિક સુખાકારી માટે પ્રાર્થનાસભાનું આયોજન કરીને દિવાળીની ઉજવણી કરી -પ્રિન્સ ચાર્લ્સે પરંપરાગત દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
લંડન, હિંદુજા પરિવારે 1980ના દાયકામાં લંડન મહાનગરમાં દિવાળીના તહેવારની ઉજવણી શરૂ કરી હતી. પછી લંડનના હાઇ-પ્રોફાઇલ લોકોના સોશિયલ કેલેન્ડરમાં આ વાર્ષિક દિવાળીની ઉજવણી વ્યક્તિગત રીતે અભિન્ન અંગ બની ગઈ હતી. અત્યારે દિવાળીની ઉજવણી લંડનમાં ચારે તરફ થઈ રહી છે અને દર વર્ષે ટાઇમ્સ સ્ક્વેયર પણ ઝળહળી ઊઠે છે.
જોકે ચાલુ વર્ષ પડકારજનક છે. પહેલા આર્થિક મંદી અને પછી દુનિયા કોવિડ-19ની પકડમાં આવી જતા હિંદુજા પરિવારનું માનવું હતું કે, આ વર્ષે દર વર્ષ જેવી ઉજવણી નહીં થઈ શકે. છતાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગગ વચ્ચે પણ દિવાળીના તહેવારના ઉંમગને જાળવી રાખવા વ્યક્તિગત મિલન સમારંભ શક્ય ન હોવા છતાં હિંદુજા પરિવારે અલગ રીતે ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.
આ ઉજવણીએ આંતરરાષ્ટ્રીય સુખાકારી માટે વર્ચ્યુઅલ પ્રેયરનો માર્ગ મોકળો કર્યો હતો, જેમાં કેન્ટબરીના આર્કબિશન સહિત વિવિધ ધર્મના આગેવાનો સામેલ થયા હતા. તેમણે હાલના પડકારજનક સમયસંજોગોનો દ્રઢતા સાથે સામનો કરવાની સલાહ આપીને લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભારતીય સંગીત ઉદ્યોગના કેટલાંક સમકાલિન પ્રસિદ્ધ ગાયક કલાકારોએ પણ વર્ચ્યુઅલ પ્રાર્થના સ્વરૂપે દિવાળીની ઉજવણીને શ્રેષ્ઠ બનાવી હતી, જેમાં કૈલાશ ખેર, સોનુ નિગમ, રાહત ફતેહ અલી ખાન, અનુપ જલોટા, શંકર મહાદેવન, શાન અને અનુરાધા પૌડવાલે દુનિયાની વિવિધ જગ્યાઓમાંથથી લાઇવ પર્ફોર્મન્સ આપ્યું હતું. કૈલાશ ખેર, સોનુ નિગમ અને રાહત ફતેહ અલી ખાને લોકો વચ્ચે સકારાત્મકતાનો સંદેશ ફેલાવવા માટે ખાસ બનાવવામાં આવેલા પ્રાર્થનામય ગીતસંગીત પીરસ્યું હતું.
આ પ્રસંગે શાહી પરિવારના સભ્ય એચઆરએચ પ્રિન્સ ચાર્લ્સે દીપ પ્રાક્ટ્ય કર્યું હતું અને પ્રિન્સ એડવર્ડની આગેવાનીમાં વિવિધ રાજકીય આગેવાનોએ સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, ફોરેન ઓફિસ સ્ટેટ મિનિસ્ટર લૉર્ડ તારિક અહમદ, ફેઇથ મિનિસ્ટર લૉર્ડ ગ્રીનહાલ્ગ, લંડનના મેયર સાદિક ખાને સંદેશ આપ્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ, મહારાષ્ટ્રના રાજ્યપાલ અને બ્રિટનમાં ભારતના હાઈ કમિશનરે હિંદુજા પરિવારને તેમનો વિશેષ સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે હિંદુજા ગ્રૂપના કો-ચેરમેન શ્રી જી પી હિંદુજાએ કહ્યું હતું કે, “ભારતીય પ્રકાશનું પર્વ દિવાળી આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. હાલના સ્થિતિસંજોગોમાં એક પરિવાર તરીકે અમે તમામ લોકો જે પડકારનો સામનો કરી રહ્યાં છે અને દુનિયાભરમાં લાખો લોકો કોવિડનો ભોગ બન્યાં છે એને ધ્યાનમાં રાખીને અમે દિવાળીની ઉજવણી સાદગીપૂર્વક કરવાનો નિર્ણય લીધો છે.
દેશ, રંગ, ધર્મ, જાતિ, પંથ – કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના કોવિડે તમામ લોકોને પોતાના ભરડામાં લીધા હોવાથી ચાલુ વર્ષે અગાઉ જેવી દિવાળીની ઉજવણી શક્ય નથી. મારા સ્વર્ગવાસી પિતાએ અમને અમે જ્યાં રહીએ છીએ અને જ્યાં કામ કરીએ છીએ ત્યાં સમુદાયના સહિયારા કલ્યાણને ધ્યાન રાખીને દરેક પગલું લેવું જોઈએ એ મૂલ્યનું સિંચન અમારી અંદર કર્યું છે.
હું અલગ રીતે ઉજવણી કરવા ઇચ્છતો હતો અને ઉજવણીને કોવિડ નિયંત્રણોથી મર્યાદિત કરવા ઇચ્છતો નહોતો. એટલે અમે તમામની સુખાકારીની પ્રાર્થના કરીને તહેવારને જીવંત બનાવવાનું આયોજન કર્યું છે. અમેરિકાથી લઈને દૂર પૂર્વ સુધી સુધીના હજારો લોકો અમારી સાથે જોડાયા છે. અમારા પ્રયાસોની પ્રશંસા બદલ અમે ખુશી અનુભવીએ છીએ. અમે અમને શુભેચ્છા મોકલનાર દરેક અને તમામ મહાનુભાવોનો આભાર માનીએ છીએ.”