જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિંદુઓ પૂજા કરી શકશે
મસ્જિદની નીચે આવેલું ભોંયરું ૧૯૯૩થી બંધ હતું
હિન્દુ પક્ષો કોર્ટના ર્નિણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને ૩૦ વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો : ૭ દિવસમાં વ્યવસ્થા કરવાનો આદેશ
વારાણસી, જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિંદુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાજ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે.
આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ આદેશ અપાયો છે. આ ભોંયરું મસ્જિદની નીચે આવેલું છે અને તે ૧૯૯૩થી બંધ છે. વારાણસી કોર્ટના ર્નિણય બાદ હવે વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના થશે.
હિન્દુ પક્ષો કોર્ટના ર્નિણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને ૩૦ વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યાં નવેમ્બર-૧૯૯૩ સુધી પૂજા-અર્ચના કરાઈ હતી.
શૈલેન્દ્ર કુમાર પાઠકે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આવેલ વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ કરવાનો અધિકાર આપવાની માંગ કરતી અરજી કરી હતી, જેના પર ગઈકાલે સુનાવણી હાથ ધરાયા બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશને સુરક્ષિત રાખી લીધો હતો અને આજે ર્નિણય સંભળાવ્યો હતો.
આ અરજીમાં હિંદુ પક્ષનો દાવો છે કે, નવેમ્બર ૧૯૯૩માં તે વખતની રાજ્ય સરકારે વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના અટકાવી દીધી હતી, જેને પુનઃ શરૂ કરવાનો અધિકાર આપવામાં આવે. બીજી તરફ મુસ્લિમ પક્ષે પ્લેસ ઑફ વર્શિપ એક્ટનો ઉલ્લેખ કરી અરજીને રદ કરવાની માંગ કરી હતી. જાેકે કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીનો અસ્વિકાર કર્યો છે અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજા-અર્ચના કરવાનો અધિકાર આપ્યો છે.
જ્ઞાનવાપીમાં નમાઝ પર રોક, પૂજાપાઠ શરૂ કરવા સુપ્રીમમાં અપીલ
વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ અંગે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) નો રિપોર્ટ જાહેર થયા બાદ હિન્દુ સંગઠનોએ ત્યાં નમાઝનો વિરોધ શરૂ કરી દીધો છે.
હિન્દુ સંગઠનોએ એક અરજી સાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી જેમાં જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પઢવા પર રોક લગાવવાની સાથે સાથે પૂજા પાઠ શરૂ કરાવવાની માગ કરી હતી.
હિન્દુ સંગઠન હિન્દુ સિંહ વાહિની સેનાએ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસને પણ આ મામલે પત્ર લખ્યો હતો. તેમાં એએસઆઈ સરવેના રિપોર્ટનો હવાલો આપી કહ્યું હતું કે અમે માગ કરીએ છીએ કે કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં નમાઝ પઢવા પર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે. અરજીમાં વૈજ્ઞાનિક સરવેના રિપોર્ટને આધાર ગણાવતાં આ માગ કરાઈ હતી.
હિન્દુ સંગઠનના વકીલ વિનીત જિંદલે હિન્દુ સિંહ વાહિની સેનાના મહાસચિવ તરીકે ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના નામે પત્ર લખ્યો હતો. તેમાં કહ્યું કે રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે અહીં ભવ્ય હિન્દુ મંદિર હતો. તસવીર અને શિલાલેખ પણ તેની પુષ્ટી કરે છે. તે હિન્દુ મંદિર હોવા વિશે કોઈ શંકા નથી એટલા માટે ત્યાં થતી નમાઝ પર હવે ત્વરિત રોક લગાવવામાં આવે.