50 કરોડના ખર્ચે તૈયાર થયું અડાલજ ખાતે હીરામણિ આરોગ્યધામ
સરકારની સાથે સામાજિક સંસ્થાઓનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે.
અમદાવાદ, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩૭ યોજનાઓના એક આરોગ્ય રક્ષા ચક્રથી દેશના ૧૪૦ કરોડ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. એક રાજનેતા સંવેદનશીલતા સાથે અને દીર્ઘદ્રષ્ટિથી પોતાનું કાર્ય કેવી રીતે કરે છે, તેનું ઉમદા દ્રષ્ટાંત વડાપ્રધાનશ્રીએ પૂરું પાડ્યું છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે અડાલજ ખાતે હીરામણિ આરોગ્યધામનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું.
અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્ટ દ્વારા રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્મિત કરવામાં આવેલા હીરામણિ આરોગ્યધામ ઉદ્ઘાટન કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, સતત સક્રિય રહીને સમાજ સેવા કરવાના નરહરીભાઈ અમીનના ઉમદા ભાવના કારણે તેમના માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણિ આરોગ્યધામનું નિર્માણ થયું છે.
કેન્દ્રીય મંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે, ફાસ્ટ જીવન અને પ્રદૂષણયુક્ત વાતાવરણ સાથે જમીન પ્રદૂષિત થવાથી પાણી પણ દૂષિત થયું છે. તેની અસર માનવ શરીર ઉપર થઈ રહી છે. એવા રોગો કે જેને લાંબા સમય સુધી સાતત્યપૂર્ણ આરોગ્ય સેવાની જરૂર હોય છે. તેવી આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકો અને ગરીબોને ખૂબ મોંઘી પડે છે. આ તમામ આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખી હીરામણિ આરોગ્યધામનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીના 70 વર્ષ સુધી જનસુખાકારીના ક્ષેત્રમાં આરોગ્ય ક્ષેત્રના અનેક પાસાઓને આવરી લેવામાં આવ્યા નહિ. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બારીકાઈથી અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે દેશના નાગરિકો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવી છે. તેમણે સ્વચ્છતા અભિયાન શરૂ કરી ૨૦ જેટલા સામાન્ય રોગો દૂર કર્યા છે. દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી આપીને નાના મોટા રોગો દૂર કર્યા છે. ઘરે ઘરે શૌચાલય બનાવીને પણ રોગોને દૂર કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે. નાગરિકો આરોગ્ય પ્રત્યે જાગૃત બને તે માટે યોગને પ્રાધાન્ય આપ્યું છે.
આજે સમગ્ર વિશ્વમાં યોગ અંગેની જાગૃતિ આવી છે. ગરીબ અને સામાન્ય પરિવારના ૬૦ કરોડ લોકોને રૂ.પાંચ લાખ સુધીની આરોગ્ય સેવાના કવચ માટે આયુષ્યમાન કાર્ડનું રક્ષણ આપ્યું છે.
તેમણે ઉમેર્યુ હતું કે, આરોગ્ય સેવાઓ સાથે સાથે તેમણે મેડિકલ કોલેજો પણ ચાલુ કરી છે. મેડિકલની સીટો માત્ર નથી વધારી, પરંતુ સંપૂર્ણ આરોગ્ય સેવા વિના મૂલ્ય મળી રહે તે પ્રકારની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આગામી ૧૦ વર્ષમાં ૭૫ હજાર જેટલી મેડિકલ સીટો વધારવામાં આવશે. તેની સાથે પી.એચ.સી., સી.એસ.સી. અપગ્રેડેશન પણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને દવાઓ સસ્તી મળી રહે તે માટે જેનરિક ઔષધી સેન્ટરોનું નિર્માણ કરવામાં આવ્યા છે.
આવી ૩૭ જેટલી જુદી-જુદી યોજનાઓનું એક ચક્ર બનાવીને તેમણે દેશના ગરીબ,વંચિત, જરૂરતમંદ લોકોની આરોગ્ય સુખાકારી વધારી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુશાસનનો ઉદય થયો છે, તેવું જણાવી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ પરિવારના ઘરમાં હૃદય, કિડની કે અન્ય કોઈ ગંભીર રોગ આવે છે, ત્યારે પરિવાર ખર્ચના ખપ્પર હેઠળ હોમાઈ જતો હોય છે. પરંતુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંવેદનશીલ ભાવથી દેશમાં સઘન આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ નવી એઈમ્સ હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં ૨૨૫ મેડિકલ કોલેજો કાર્યરત છે. ૭૦ હજારથી વધુ મેડિકલ સીટોનો વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં જન કલ્યાણનો અભિગમ અપનાવી આરોગ્ય સુખાકારી માટે અનેક નીતિ અમલમાં મુકેલ છે. એક સમય હતો કે, જ્યારે છેવાડાના માનવીને આરોગ્ય સેવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું, પરંતુ આજે અંતરિયાળ વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોની સુવિધા ઉપલબ્ધ બને છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં મેડિકલ કોલેજોની સીટો બમણી થઈ છે, ૨૦૧૪માં ગુજરાતમાં મેડિકલ કૉલેજ ૧૪ હતી, જે આજે ૪૦ થઈ છે. આદિજાતિ વિસ્તારમાં પણ મેડિકલ કોલેજ શરૂ થઈ છે. નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા આપવા માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલો, સી.એસ.સી., પી.એસ.સી અને આરોગ્ય સબ સેન્ટર અને અધ્યતન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ સામાજિક સંસ્થાઓ થકી રાજ્યમાં આરોગ્ય સેવા વધુ વ્યાપક બને છે.
તેમણે ઉમેર્યુ હતું કે, ગંભીર રોગોની સારવાર સૌ નાગરિકોને પરવડે તે રીતે આપવા માટે આ સરકાર કટિબદ્ધ છે. કિડનીની ગંભીર બીમારી આવે ત્યારે ડાયાલિસિસ માટે કેટલો ખર્ચ થતો હોય છે તે આપણે સૌ જાણીએ છીએ પહેલા આ માટેની માળખાકીય સુવિધાઓ આપણા દેશમાં ન હોતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે નજીકમાં નાગરિકોને ડાયાલિસિસની સેવા મળી રહી છે. ગુજરાતમાં નવા 35 ડે કેર કીમો થેરાપી સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પમાં જન આરોગ્ય સુખાકારીએ ખૂબ જ અગત્યનું પાસું છે.
તેમણે ઊમેર્યું હતું કે, આ આરોગ્યધામ સ્વાસ્થ્ય સુખાકારીના મંત્રને સાકાર કરી રહી છે. આ આરોગ્યધામમાં ફિઝિયોથેરાપી, ડાયાલિસિસ, કીમોથેરાપી અને આર્યુવેદિક જેવી સેવાઓ આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે હીરામણિ આરોગ્યધામના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો.વરૂણ અમીન એ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે જનસહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઇ અમીને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી સહિત જનસહાયક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.