શિવરંજની બ્રિજના છેડે હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરનાર આધેડનું મોત
અમદાવાદ, શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. શિવરંજની બ્રિજના છેડેથી રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું હતું. જ્યારે વેજલપુરમાં રહેતું દંપતી કલોલ ખાતે લગ્નમાં જવા નીકળ્યુ હતું. પતિએ એક્ટિવા પરથી બેલેન્સ ગુમાવતા પાછળ બેઠેલી પત્ની રોડ પર પટકાઇ હતી.
ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ લઇ જવાયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. બંને ઘટનાને લઇને એન અને એસજી-૨ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના ૫૫ વર્ષીય ગેરીલાલ ચોબીસા સેટેલાઈટમાં રહેતા હતા અને એક બંગલામાં કામ કરતા હતા.
ગેરીલાલ ગત તા.૧૬ના રોજ રાત્રે કામ પતાવીને શિવરંજની બ્રિજના છેડેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે બ્રિજ પરથી આવેલા અજાણ્યા વાહનના ચાલકે પૂરઝડપે આવીને ગેરીલાલને ટક્કર મારી હતી. ગેરીલાલ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
લોકોએ ગેરીલાલને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી ઘટનામાં વેજલપુરમાં રહેતા દશરથભાઈ ઠાકોર પત્ની રીટાબેન અને પુત્ર સાથે ગત તા.૧૯મીએ એક્ટિવા લઇને કલોલ ખાતે લગ્નપ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. દશરથભાઇ ઈસ્કોન બ્રિજથી પકવાન તરફ જતા હતા ત્યારે એક્ટિવાનું બેલેન્સ ન રહેતા પાછળ બેઠેલા રીટાબેન પટકાયા હતા. સારવાર દરમિયાન તે મૃત જાહેર થયા હતા.SS1MS