વિદ્યાર્થીઓને ડ્રગ્સ, સાયબર બુલિંગ, સહિતના મુદ્દાઓ મામલે નાગરિક ધર્મ નિભાવવા પર ભાર મૂકતા હર્ષ સંઘવી
એચએલ કૉલેજ ઑફ કૉમર્સ દ્વારા આયોજિત ત્રિદિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
તમારાં સપનાંને સાકાર કરવાનો એકમાત્ર ઉપાય મહેનત છે: મંત્રીશ્રી હર્ષ સંઘવી
અમદાવાદની એચએલ કૉલેજ ઑફ કૉમર્સ દ્વારા આયોજિત દસમી ત્રિદિવસીય એમયુએન કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે તમારાં સપનાંને સાકાર કરવાનો એકમાત્ર ઉપાય મહેનત જ છે. તમારી નિષ્ફળતા માટે બીજા કોઈને દોષ આપવાનો કોઈ અર્થ નથી. મહેનત કરવાથી જ સફળતા મળશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના મનમાં રહેલા અનેક નવા વિચારો, પ્રશ્નો, ઉપાયો, મુદ્દાઓ, ચર્ચાઓ સૌની સમક્ષ રજૂ થશે. જેનાથી અનેક નવી હકારાત્મક બાબતો ધ્યાને આવશે. તેમણે જણાવ્યું કે ચર્ચાની માનસિકતા વિકસાવવી જરૂરી છે. આજે કોઈ પણ ક્ષેત્રમાં સબળ નેતૃત્વ જરૂરી છે. જેના માટે આવાં આયોજનો ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ ત્રિદિવસીય આયોજનમાં ચર્ચવામાં આવનારા વિવિધ 16 જેટલા મુદ્દાઓ પૈકી ડ્રગ્સના મુદ્દા પર ભાર આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ સામે લડત ચાલી રહી છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ છે, પણ તેની અસરો અત્યંત નુકસાનકારી હોય છે. પરિણામે, નશાની કુટેવમાં ફસાયેલી કોઈ વ્યક્તિ ધ્યાને આવે, તો તેમાંથી બહાર લાવવાની જવાબદારી યુવાનોની છે.
આ જ રીતે સાઇબર બુલિંગનું દૂષણ પણ વર્તમાન સમયમાં વધ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પર કોઈ દીકરી કે બહેનને પરેશાન કરવામાં આવતી હોવાની ઘટના સામે આવે, તો તેને બચાવવાની દિશામાં કામ કરવાની પણ જવાબદારી નાગરિક તરીકે આપણી છે. ત્યારે જ આદર્શ સમાજનું નિર્માણ કરવું શક્ય છે.
આ તકે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓમાં ચર્ચા કરવાના ગુણો વિકસે તેમજ તેઓ દેશ તથા સમાજના સાંપ્રત પ્રશ્નોથી વાકેફ થાય તે માટે આ પ્રકારના આયોજન બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તેમજ એચએલ કૉલેજના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.