HMPV: રાજ્યોને શ્વસનતંત્રના રોગોનું સર્વેલન્સ વધારવા નિર્દેશ
સ્થિતિ પર સરકારની ચાંપતી નજર છે ઃ જે.પી.નડ્ડા
(એજન્સી)નાગપુર, દેશમાં એચએમપીવીના પાંચ કેસના નિદાન પછી કેન્દ્ર સરકારે રાજ્યોને શ્વસનતંત્રને લગતી માંદગી અંગે સર્વેલન્સ વધારવાનો નિર્દેશ આપ્યો છે. મંગળવારે નાગપુરમાં એએમપીવીના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જોકે, બંને દર્દીને સારવાર પછી રજા અપાઈ હતી.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ કેસના સેમ્પલ્સ નાગપુરની એઇમ્સ અને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીને મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોમવારે એચએમપીવીનો પહેલો કેસ નોંધાયો હતો. કર્ણાટક, ગુજરાત, તમિલનાડુના કુલ પાંચ બાળકોનો એચએમપીવી ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
જોકે, આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે, સ્થિતિ પર સરકારની ચાંપતી નજર છે અને ચિંતાનું કોઇ કારણ નથી. તેમણે સોમવારે જણાવ્યું હતું કે, નડ્ડાએ જણાવ્યું હતું કે, “આરોગ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે, એચએમપીવી નવો વાયરસ નથી. સૌથી પહેલાં ૨૦૦૧માં તેની ઓળખ થઈ હતી. ત્યાર પછી તે દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો હતો.”
કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલ શ્રીવાસ્તવે સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વર્ચ્યુઅલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આરોગ્ય સચિવની બેઠકમાં ભારપૂર્વક જણાવાયું હતું કે, “આઇડીએસપીનો ડેટા ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી તેમજ ગંભીર શ્વસનતંત્રની બીમારી માં અસામાન્ય ઉછાળો દર્શાવતો નથી. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “એચએમપીવી વિશ્વમાં ૨૦૦૧થી મોજૂદ છે. એટલે ચિંતાનો વિષય નથી.”
તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્વસનતંત્ર સંબંધી બીમારીઓ અંગે સર્વેલન્સ વધારવા નિર્દેશ કર્યાે હતો.દરમિયાન નાગપુરમાં એચએમપીવીના બે શંકાસ્પદ કેસમાં સાત અને ૧૪ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તેમના સેમ્પલ્સને શંકાસ્પદ ગણાવાયા હતા.
નાગપુરના જિલ્લા કલેક્ટર વિપીન ઇતન્કરે જણાવ્યું હતું કે, “નાગપુરના એચએમપીવી દર્દીઓ અંગે મીડિયાના અહેવાલ ખોટા છે. નાગપુરમાં એચચએમપીવીના કોઇ દર્દી નથી. ગભરાટની કોઇ જરૂર નથી.”
દરમિયાન સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચિંતાનું કારણ નહીં હોવાનું જણાવ્યું હતું, પણ ઘણી રાજ્ય સરકારોએ સતર્ક હોવાની જાહેરાત કરી હતી. તમિલનાડુ સરકારના જણાવ્યા અનુસાર “મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.”