નવા વાયરસના ટેસ્ટ માટે આરોગ્ય વિભાગે સ્પેશિયલ કિટનો ઓર્ડર આપ્યો
ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલની લેબોરેટરીમાં આ કીટ રહેશે ઃ શંકાસ્પદ લાગે તે જ દર્દીના ટેસ્ટ કરાશે
સરકારી ગાઈડલાઈન પ્રમાણે ધ્યાનમાં રાખવાના મુદ્દા
– જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવાં.
– નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
– ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલુથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
– તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
– વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
– પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઉંઘ લેવી.
– બીમારી ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
– શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
ગાંધીનગર, કોરોના દહેશત બાદ હવે ગુજરાતમાં હ્યુમન મેટાન્યુવાઈરસ (એચએમપીવી)એ પગ પેસારો કરતા આરોગ્ય વિભગા દોડતો થઈ ગયો છે. આરોગ્ય વિભાગે આ વાઈરસને લડત આપવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે અને એલર્ટ પણ આપી દીધું છે. એચએમપીવીથી ગભરાવવાની જરૂર નથી પરંતુ થોડી સતર્કતા રાખવાની જરૂર છે. એચએમપીવીના ટેસ્ટ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ કીટ મંગાવી લીધી છે.
આવનારા એકાદ બે દિવસમાં પુણેથી સ્પેશિયલ કીટ આવી ગયા બાદ શંકાસ્પદ દર્દીના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ સહિત ગુજરાતમાં આવેલી છ સિવિલ હોસ્પિટલ, ડિસ્ટ્રીકટમાં આવેલી ૧૭ સરકારી હોસ્પિટલ તેમજ સોલા સિવિલ સહિત ગુજરાતમાં આવેલી ૧૩ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં આ કીટ આપવામાં આવશે. આ કીટનો ઉપયોગ સ્પેશિયલ શંકાસ્પદ દેખાતા દર્દી ઉપર જ કરવામાં આવશે. આ કીટ આવી ગયા બાદ આરટી-પીસીઆર દ્વારા ટેસ્ટ કરવામાં આવશે નહીં.
એચએમપીવીથી લડવા માટે વધુ એક વખત રાજ્યનો આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયો છે. એચએમપીવી કોઈ નવો વાઈરસ નહીં પરંતુ વર્ષ ર૦૦૧માં તે સામે આવ્યો હતો જેના કારણે કોરોનાની જેમ તેનાથી ગભરાવવાની જરૂર નથી. રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા બે મહિનાના બાળકનું એચએમપીવી સેમ્પલ પોઝિટિવ મળી આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે કેસના મોનિટરિંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થા અંગેની તૈયારી કરી લીધી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે આ વાઈરસને લઈને તમામ તૈયારી અને વ્યવસ્થા કરી લીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે થોડા દિવસ પહેલાં બેઠક કરી હતી. જેમાં રાજ્યના દરેક જિલ્લાના સુપ્રિટેન્ડન્ટ હાજર રહ્યા. આરોગ્ય વિભાગની મળેલી બેઠકમાં વાઈરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં એચએમપીવી સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલથી લઈ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આગામી થોડા દિવસમાં આ વાઈરસનું નિદાન થવાનું શરૂ થઈ જશે. સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ વાઈરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.
આરોગ્ય વિભાગે એચએમપીવી ટેસ્ટ માટેની સ્પેશિટલ કીટ મંગાવી લીધી છે જે આવનારા એકાદ બે દિવસમાં આવી જશે. આ કીટ આવી ગયા બાદ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની જરૂર પડશે નહીં. આ કીટને લેબોરેટરીમાં મૂકવામાં આવશે અને શંકાસ્પદ લાગતા લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર જે લોકો શંકાસ્પદ લાગતા હોય તે જ લોકોના ટેસ્ટ કરવામાં આવશે જ્યારે બીજા લોકોને સામાન્ય રિપોર્ટ કરીને નિદાન કરવામાં આવશે.
મેટાન્યુમોવાઈરસ અન્ય શ્વસન વાઈરસ જેવો જ વાઈરસ છે જેની ઓળખ ર૦૦૧માં થઈ હતી. આ વાઈરસની અસર શિયાળાની ઋતુમાં દેખાય છે અને તેમાં પણ ખાસ કરીને બાળક અને વૃદ્ધમાં જોવા મળે છે. વાઈરસના કારણે સામાન્ય શરદી અને ફલુના લક્ષણ દેખાય છે. હાલ ગુજરાતમાં એચએમપીવી વાઈરસના બે પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં આ વાઈરસે વર્ષ ર૦૦૧થી અત્યાર સુધીમાં કેટલા લોકોને સંક્રમિત કર્યા છે તેના આંકડા હોસ્પિટલો પાસેથી આરોગ્ય વિભાગ માંગે તેવી શક્યતા છે.