Western Times News

Gujarati News

સંભલમાં હોળી પર શાહી જામા મસ્જિદ સહિત 10 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવશે

File

(એજન્સી)સંભલ, ઉત્તર પ્રદેશના સંભલમાં હોળીના અવસર પર સરઘસના રૂટ પર આવતી તમામ ૧૦ મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવશે. આ મસ્જિદોમાં શાહી જામા મસ્જિદ પણ સામેલ છે.

બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ એટલે કે એએસઆઈને સંભલ સ્થિત જામા મસ્જિદની પેઇન્ટિંગનું કામ એક સપ્તાહની અંદર પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સંબંધિત પક્ષકારોને સાંભળ્યા પછી, જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે એએસઆઈને મસ્જિદની બહારની દિવાલોને રંગવા અને ત્યાં લાઇટ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.

મહત્વનું છે કે કોઈપણ વિવાદથી બચવા માટે ભૂતકાળમાં પણ મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી દેવાના સમાચાર આવ્યા છે. યુપીના શાહજહાંપુરમાં પણ હોળીના અવસર પર મસ્જિદો અને કબરોને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી છે.

શાહજહાંપુરમાં હોળીના દિવસે લાત સાહેબનું સરઘસ કાઢવામાં આવે છે અને આ માટે શહેરની લગભગ ૬૭ મસ્જિદો અને દરગાહોને તાડપત્રથી ઢાંકવાની કામગીરી કરવામાં આવી છે. એસપીએ કહ્યું કે શહેરની બહાર આવતા પરંપરાગત લાત સાહેબના ૧૦ કિલોમીટરના રૂટની અંદર આવતી તમામ મસ્જિદો/મઝારોને કાળા વરખ અને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી છે જેથી તેના પર હોળીના રંગો ન પડે.

શાહજહાંપુરના પ્રશાસને કહ્યું છે કે બધું જૂના નિયમો મુજબ છે, તેમાં કંઈ નવું નથી. સંભલની વાત કરીએ તો અહીં પણ કોઈ વિવાદ ન થાય તે માટે હોળીના સરઘસના રૂટ પર આવતી મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દરમિયાન, શાહી જામા મસ્જિદ સમિતિએ હોળીના તહેવાર પર શુક્રવારની નમાઝના સમયને લઈને પોલીસ પ્રશાસન સાથે કોઈપણ ચર્ચાનો ઇનકાર કર્યો છે. મસ્જિદ કમિટીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આગામી દિવસોમાં સ્વતંત્ર રીતે નમાઝના સમયની જાહેરાત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.