લોસ એન્જેલસમાં દાવાનળ ૩૦,૦૦૦ લોકો ઘર છોડી ભાગ્યા
૧૦૦૦થી વધુ ઘરો, વ્યવસાયો અને અન્ય ઇમારતો બળી ગઈ
તીવ્ર પવનને કારણે આગ રહેણાંક વિસ્તારો સુધી ફેલાઈ: ઇમર્જન્સી જાહેર કરાઈ
લોસ એન્જલસ કાઉન્ટીમાં ૨ લાખ લોકો વીજળી વિહોણાં
લોસ એન્જેલસ,અમેરિકાના લોસ એન્જેલસની આજુબાજુના જંગલમાં મંગળવારની રાત્રે લાગેલી ભીષણ આગ ઝડપથી રહેણાંક વિસ્તારોમાં ફેલાતા હજારો લોકો પોતાના ઘર છોડીને ભાગ્યાં હતાં. આ પ્રચંડ આગમાં અનેક ઘરો બળીને ખાખ થયા હતા અને એકસાથે હજારો લોકો ભાગી રહ્યાં હોવાથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો. હોલિવૂડ સેલિબ્રિટી સહિત આશરે ૩૦,૦૦૦ વધુ લોકો તેમના ઘર છોડીને ભાગ્યા હતાં. ૧,૦૦૦થી વધુ ઘરો, વ્યવસાયો અને અન્ય ઇમારતો બળી ગઈ હતી અને લોસ એન્જેલસ કાઉન્ટીમાં ઓછામાં ઓછા બે લોકો મોત થયાં હતાં.
વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસના લોસ એન્જેલસ ખાતે નિવાસસ્થાને પણ ખાલી કરવાનો આદેશ અપાયો હતો.લોકોની ભાગદોડને કારણે ટ્રાફિક જામ થતાં અગ્નિશામકો માટે પણ બેકાબુ આગ પર નિયંત્રણ મેળવવાનું મુશ્કેલ બન્યું હતું. બુધવારે સવાર સુધીમાં શહેરના આજુબાજુના વિસ્તારોમાં ભયાનક સ્થિતિનું નિર્માણ થયું હતું. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે ઇમર્જન્સની જાહેરાત કરી હતી.સૌ પ્રથમ લોસ એન્જેલસના નેચર પ્રિઝર્વ નજીક મંગળવારે સાંજે ફાટી નીકળેલી આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ હતી કે સિનિયર લિવિંગ સેન્ટરના સ્ટાફે ડઝનેક રહેવાસીઓને વ્હીલચેર અને હોસ્પિટલ બેડમાં પાર્કિંગની લોટમાં લઈ જવા પડ્યાં હતા.
આના થોડા કલાકો પછી ઘણા સેલિબ્રિટી રહે છે તેવા પેસિફિક પેલિસેડ્સની આજુબાજુ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારમાં પણ આગ બેકાબુ બનતા લોકોએ ભાગદોડ ચાલુ કરી હતી અને સસ્તાઓ જામ થઈ ગયા હતા. તેનાથી ઘણા લોકો પોતાના વ્હિકલ છોડીને ભાગ્યાં હતા.પેલિસેડ્સ ડ્રાઇવ પર ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી વ્હિકલો પણ અટકી પડ્યા હતા. ત્યજી દેવાયેલી કારોને બાજુ પર ધકેલવા અને રસ્તો બનાવવા માટે બુલડોઝર લાવવામાં આવ્યાં હતા. પેસિફિક કોસ્ટ હાઇવેની આજુબાજુના ઘરો અને બિઝનેસનો બળીને ખાખ થઈ રહ્યા હોય તેવા ઘણા વીડિયા બહાર આવ્યા હતાં. લોકો તેમના બાળકો અને બેગ સાથે કારમાંથી બહાર નીકળી રહ્યા હતા, તેઓ રડતા અને ચીસો પાડી રહ્યા હતાં.
અધિકારીઓએ પેસિફિક પેલિસેડ્સ જંગલની આગમાં ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામેલી ઇમારતોનો અંદાજ આપ્યો નથી, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે લગભગ ૩૦,૦૦૦ રહેવાસીઓને સ્થળાંતર કરવાના આદેશો આપાયા હતા અને ૧૩,૦૦૦થી વધુ માળખાં જોખમ હેઠળ હતા. ગવર્નર ગેવિન ન્યૂઝમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ઘણા ઘરો બળી ગયા છે.ત્રીજી જંગલમાં આગ આશરે રાત્રે ૧૦.૩૦ વાગ્યે સાન ફર્નાન્ડો વેલીમાં ચાલુ થઈ હતી. ઓરેન્જ સિટીના સાન્ટા આના તરફથી પ્રતિ કલાક ૯૭ કિમીની ઝડપથી પવન ફુંકાતા જ્વાળાઓ વધુ ઝડપથી ફેલાઈ હતી.
રાત્રે પવનની ઝડપ પણ પ્રતિકલાક ૧૬૦ કિમીની થવાની ધારણા હોવાથી વધુ બિહામણી સ્થિતિ ઊભી થવાની ધારણા છે. પવન એટલો ઝડપી અગતો ફાયરફાયરટિંગ વિમાનો ઉડાવવાનું પણ મુશ્કેલ બન્યું હતું. સાંજ સુધીમાં જ્વાળાઓ પડોશી વિસ્તાર માલિબુમાં ફેલાઈ ગઈ હતી અને ત્યાં ઘણા લોકો દાઝી ગયા હતા. એક ફાયર ફાઈટરને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ss1