વડોદરા જિલ્લામાં દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું બહુમાન
વડોદરા, રાજ્ય સરકાર દ્વારા ઉજવાઇ રહેલા નારી વંદન ઉત્સવના સપ્તાહના આજ ચતુર્થ દિને વડોદરા જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં મહિલા નેતૃત્વની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે પંચાયત સદસ્ય તરીકે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સેવા આપી રહેલી મહિલાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે ૫૦ ટકા બેઠકોનું અનામત સુનિશ્ચિત કર્યું છે. તેના પરિણામે પંચાયતી શાસનમાં મહિલાનું પ્રતિનિધિત્વ વધ્યું છે. નેતૃત્વની દિશામાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે. ત્યારે, પંચાયતોમાં આ મહિલા નેતૃત્વ દિનની ઉજવણી યથાર્થ ઠરી છે.
ડભોઇ, શિનોર, પાદરા તાલુકામાં વિવિધ કાર્યક્રમોમાં યોજાયા હતા. તેમાં પશુપાલન વિભાગ, આઇસીડીએસ વિભાગ પણ સહભાગી બન્યા હતા. કાર્યક્રમમાં સામેલ મહિલાઓને મહિલાલક્ષી યોજનાઓનું સમજ સાથે નેતૃત્વના ગુણોની માહિતી પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત સારી કામગીરી કરનાર મહિલાકર્મીઓ, પંયાયત સદસ્યો ઉપરાંત મહિલા પશુપાલકોનું આ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું.