Western Times News

Gujarati News

હાઉસીંગ બોર્ડની જૂની યોજનાઓમાં ૧૦૦ ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા તા. ૭ જાન્યુઆરી-ર૦ર૩ સુધી લંબાવાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની  જૂની યોજનાઓમાં ૧૦૦ ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા તા. ૭ જાન્યુઆરી-ર૦ર૩ સુધી લંબાવી આપવાનો જનહિતકારી નિર્ણય

સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક ૮ ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં તા. ૭ જાન્યુઆરી-ર૦ર૩ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં અગાઉ તારીખ ૧૩/૭/ર૦રર થી ૯૦ દિવસ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફીનો ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત’’ કરેલી જાહેરાતનો લાભ ૧૦,પ૮૩ લાભાર્થીઓએ લીધો હતો.

વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજનાની મુદત તારીખ ૭/૧/ર૦ર૩ સુધી લંબાવી આપી છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલના ગુજરાત રાજ્યમાં આવેલ જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને લાભ મળી શકશે.

એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આના પરિણામે નાગરિકોને નવા આવાસોની પ્રાપ્તિ કરવામાં સરળતા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.