પેટલાદમાં આવાસના ભ્રષ્ટાચારની તપાસનો ધમધમાટ શરૂ
(પ્રતીનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આશરે ૭૧૧ જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે.
જેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ સ્થાનિક નાગરીક દ્વારા કરવામાં આવી હતી. આ અરજી વડાપ્રધાન કાર્યાલયે કર્યા બાદ તેની તપાસનો રેલો પેટલાદ પાલિકા સુધી પહોંચતા શહેરના સ્થાનિક રાજકારણમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ છે.
આ તપાસ ગુજરાતના શહેરી વિકાસ વિભાગની પ્રાદેશિક કમિશ્નર કચેરી કક્ષાએથી તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે. હાલ આ સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બનતા અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯થી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ શરૂ થયું હતુ.
આ યોજના અંતર્ગત ઘરવિહોણા પરિવારને ઘરની છત મળી રહે તે સરકારનો મુખ્ય હેતુ હતો. જે માટે કેન્દ્ર સરકાર છ હપ્તે કુલ રૂપિયા સાડા ત્રણ લાખની સહાય ચુકવે છે. પરંતુ તેના ચોક્કસ નિતી નિયમોને આધિન હપ્તાની રકમ ચુકવવાની હોય છે. પરંતુ પેટલાદ ખાતે આ યોજનાનો લાભ આપવામાં અનેક ગેરરિતીઓ અને ક્ષતિઓ રહી હોવાનું જાણવા મળે છે.
જેમ કે જે લોકો પાસે પોતાનું ઘર હોવા છતાં બીજા ઘર માટે યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. કેટલાક લાભાર્થીઓ સારી નોકરી કે વેપાર કરતા હોય, આવકનું પ્રમાણ સારૂં હોય, પાલિકાના કાઉન્સિલર કે કર્મચારી હોય વગેરે જેવાને પણ યોજના અંતર્ગત રૂપિયા સાડા ત્રણ લાખની સહાય ચુકવાઈ છે.
આવા આર્થિક રીતે સક્ષમ લોકોને યોજનાનો લાભ આપતા સાચા લાભાર્થીઓ આજે પણ ઘરવિહોણાં રહ્યા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. ઉપરાંત પૂર્ણ થઈ ગયેલ કેટલાકે તો આવાસ ભાડે આપી તગડી કમાણી પણ શરૂ કરી દિધી હોવાની ચર્ચાઓ છે.
આ સમગ્ર મામલે યોજનાનું ફોર્મ મંજૂર કરાવી લાભ અપાવવા એજન્સી કે પાલિકાના કર્મચારીઓ ઉપર રાજકીય વ્યક્તિઓના દબાણવશ કર્યા હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે. આમ આ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની શંકાને કારણે સમગ્ર મામલાની ઝિણવટભરી તપાસ થાય તે માટે પેટલાદના રહેવાસી અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ પિયુષભાઈ શાહે વડાપ્રધાન કાર્યાલયે તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અરજી કરી હતી.
જ્યાંથી તે અરજી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આવી હતી. ત્યારબાદ સીએમઓ થી અરજી સંદર્ભે યોગ્ય તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા ગૃહ અને શહેરી વિકાસ વિભાગને મોકલવામાં આવી હતી. જેથી ગૃહ વિભાગે આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકને મોકલતા તે અરજી વધુ તપાસ? માટે પેટલાદ ટાઉન પોલીસ મથકે આવી હતી.
જેના સંદર્ભમાં પેટલાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટે તા.૩ જૂનના રોજ પેટલાદ પાલિકાના ચીફ ઓફિસર તરફ અરજી મોકલતાં જણાવ્યું હતું કે આ મામલો પોલીસનો નહીં પરંતુ પાલિકાનો છે.