Western Times News

Gujarati News

શું માનવતામાં ઓટ આવી રહી છે? ઘાયલની મદદ નહી કરીને વિડિયો ઉતારવો કેટલો વ્યાજબી ?

પ્રતિકાત્મક

લોકોમાં ક્રમશઃ સંવેદના લુપ્ત થઈ રહી છે-સંવેદન શૂન્ય માણસથી સમાજમાં જડતા પ્રવેશશે તો કળિયુગ તરફ પ્રયાણનું સૌથી મોટું કારણ હશે

(પ્રતિનિધિ) અમદાવાદ, શું માનવતા મરી પરવારી છે ? નાં, માનવતા હજુ લોકોના હદયમાં જાગૃત છે પરંતુ અમુક પ્રકારના કિસ્સા એવા પ્રકાશમાં આવે છે કે જે આપણાં અÂસ્તત્વને ઝંઝોળી મૂકે છે. માનવતા મરી પરવારી નથી પરંતુ એમાં કેટલેક અંશે ઓટ આવી હોય તેવી લાગણી થઈ રહી છે આમ તો કળિયુગની શરૂઆત થઈ કે નથી થઈ.

તેને બાજુએ રાખીએ તો એવું કહી શકાય કે કળિયુગમાં જવા તરફના તમામ લક્ષણો આપણે આત્મસાત કરી રહયા છે તેમાંય આધુનિક યુગમાં લોકોમાં ક્રમશઃ તેમની સંવેદના ઓછી થઈ રહી છે. ખાસ તો લોકોના હાથમાં મોબાઈલ આવ્યા પછી તેમનાં વર્તન- વ્યવહારમાં જડતા આવી રહી છે અગર તો આવી ગઈ છે. લોકો વિડિયો ઉતારવામાં એટલાં મગ્ન થઈ જાય છે કે કોઈ ઘાયલને સારવાર કરાવવાનું ભૂલી જાય છે હમણાં જ એક માતબર અખબારમાં એક અહેવાલ આવ્યો હતો કે રાજકોટના મવડી ઓવરબ્રીજ પરથી પસાર થતાં એક યુવાનને ગળાનાં ભાગે દોરી વાગતાં તે ઘાયલ થયો હતો

આ સમયે મદદ કરવાની જગ્યાએ લોકો વિડિયો ઉતારતા રહયા. ફોટા પાડતા રહયા. લગભગ ૧પ મિનીટ સુધી સંવેદનશીલ થયેલા લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી નહી. પછી કોઈક એક જાગૃત નાગરિકે ૧૦૮ને ફોન કરીને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો. અહીંયા વાત એ છે કે લોકો વિડિયો ઉતારતા રહયા પણ પોલીસને કે ૧૦૮ને કેમ જાણ ન કરી ?

આનાં પરથી ફલિત થાય છે કે કેટલેક અંશે આપણે માનવતાનો ધર્મ્‌ ચૂકી રહયા છીએ. આવી તો દેશમાં અનેક ઘટના બનતી હશે. થોડા દિવસો પહેલા એક અંધવ્યક્તિ કે જે બસમાં ચઢવાનો પ્રયાસ કરતો હતો તે દાદરો ચડી શકે તે માટે કોઈ મદદે આવ્યુ નહી બધા મોબાઈલમાં મોં નાંખીને દાદરામાં ઉભા રહયા હતા. આવી જ એક ઘટના લાલદરવાજાથી આગળ જતી બસમાં બની. એક મહિલા સૂતેલા બાળકને લઈને બસમાં ચડી. પરંતુ તેને કોઈ જગ્યા આપતુ ન હતું.

છેવટે રીકવેસ્ટ કરતા તેને કોકે જગ્યા આપી. આ નાની ઘટના છે. પરંતુ તેની પાછળ માનવીય સંવેદના જરૂર છૂપાયેલી છે બસમાં જગ્યા નહી આપતી યુવાપેઢીની યુવતીઓએ એ બહેનને જણાવ્યુ કે આ તો અમારે રોજનું થયું અમે કેટલાકને ઉભા થઈને જગ્યા આપીએ. ઓફિસેથી થાકીને એક બસ જવા દીધા પછી બીજી બસમાં નંબર આવ્યો હોય તો અમે જગ્યા કેવી રીતે આપીએ.

એવુ હોય તો તમારે રીક્ષા કે ગાડી કરી લેવી જોઈએ. આ મુદ્દા પર લાલબસમાં ચર્ચા પણ આગળ ચાલી. પરંતુ જગ્યા મળતા બધો મામલો શાંત પડ્યો. આતો નાની ઘટના છે. પરંતુ ઈજા પામેલા કે અકસ્માતના સમયે બચાવની કે મદદની કામગીરી નહી કરીને વિડિયો ઉતારવો કેટલો વ્યાજબી છે ? ઉપરનાં કિસ્સામાં બંને તરફ પાસુ સરખુ ભલે હોય. પરંતુ તે બહેનના હાથમાં સૂતેલુ બાળક હતું.

બસ અહીંયા જ વાત ધ્યાન પર લેવા જેવી છે બીજી તરફ વાત પણ એ છે કે બસમાં ચિક્કાર ગીર્દી રહેતી હોવાથી કોઈ ઉભુ થઈને બીજાને ભાગ્યે જ જગ્યા આપે છે. આ માત્ર લાલબસમાં જ નહિ તમામ સ્થળે થતુ જોવા મળે છે પરંતુ એનો મતલબ એ નથી કે માનવતા સંવેદના રહી નથી. પરંતુ થોડી જડતા આપણાં સૌ કોઈના વર્તન- વ્યવહારમાં પ્રવેશી ચૂકી છે તે સ્વીકારવું રહયું.

જાણ્યે-અજાણ્યે આપણે તેનો શિકાર થઈએ છીએ. કોરોના કાળમાં બે પ્રકારના દૃશ્યો જોવા મળતા હતા. એક તરફ માનવતાનાં દ્રશ્યો હતા તો બીજી તરફ સંવેદનાશૂન્ય ઘટનાઓ જોવા મળી હતી. સાવ સામાન્ય લાગતી બાબતો પણ સમાજમાં ધીમેધીમે આકાર લેતી મોટી પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોરે છે. મોબાઈલ ધીમે ધીમે ઘરમાં પ્રવેશી ગયો છે હવે તો લોકોના મગજ- દીલ પર આધિપત્ય જમાવી દે તેવા સંકેતો મળી રહયા છે. મોબાઈલના કારણે આપણે આપણી સંવેદના માનવી મૂલ્યોને ભૂલાવી દઈએ નહિ તેની તકેદારી રાખવી પડશે.

પાછો, પ્રશ્ન એ થાય છે કે લોકો કોઈપણ પ્રકારની ઘટના બને તો પોલીસ, પ્રશાસનનું ધ્યાન દોરતા કેમ અચકાય છે તેમાં પણ ઉંડા ઉતરવું જરૂરી છે ખાસ તો એકસીડેન્ટીયલ ઘટના કે અન્ય પ્રકારની ક્રાઈમની ઘટનાની બાબતમાં કેમ પડતા નથી તે અંગે ખરેખર સર્વે થવો જરૂરી છે. કારણ કે સામાન્ય માનવીના મનમાં એ ડર હોય છે કે ક્યાંક આપણે પોલીસની બાબતમાં અટવાઈએ નહી પોલીસ-કોર્ટના ધક્કાના નામથી લોકો દૂર થઈ ગયા છે

ત્યારે આ બાબતે પોલીસે જનદરબાર વધારે યોજીને ક્યાં-પ્રકારના ગુનામાં કે અકસ્માતમાં પોલીસને કે તંત્રને જાણ કરવાથી આમ પ્રજા કોઈ મુસીબતમાં મૂકાશે નહિ તેના માટે ઉચ્ચ અધિકારીઓએ આમાં રસ લેવો પડશે. સામાન્ય વ્યક્તિ અને પોલીસ વચ્ચે સંવાદ જરૂરી છે તો બીજી તરફ સામાજીક સંસ્થાઓએ પણ લોકોમાં સર્વે કરવીને કેટલાક મુદ્દાઓને ઉજાગર કરવા પડશે. સંવેદનશૂન્ય માણસથી સમાજમાં જડતા પ્રવેશશે અને કદાચ કળિયુગમાં પ્રવેશવાનું તે સૌથી મોટું કારણ બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.