Western Times News

Gujarati News

ટીવી કલાકારોની તેમના વતનમાં જન્માષ્ટમીની ઉજવણી કેવી રીતે કરે છે!

જન્માષ્ટમી ખુશીનો તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ખુશીમાં મનાવવામાં આવે છે. આ તહેવાર દુનિયાભરમાં મનાવવામાં આવ છે. બધા અજોડ રીતે તેને જુએ છે. વિવિધ એન્ડટીવીના કલાકારો તેમનાં સંબંધિત વતનમાં આ તહેવારોની ઉજવણી વિશે ઝાંખી પૂરી પાડે છે.

આમાં દૂસરી માનો આયુધ ભાનુશાલી (કૃષ્ણા), નેહા જોશી (યશોદા), આર જે મોહિત (મનોજ), હપ્પુ કી ઉલટન પલટનની ગીતાંજલી મિશ્રા (રાજેશ), ચારૂલ મલિક (રુસા) અને ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે (અંગૂરી ભાભી), સાનંદ વર્મા (અનોખે લાલ સકસેના)નો સમાવેશ થાય છે.

દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીની ગતિશીલતા અત્યંત સ્વર્ણિમ છે. અહીં સર્વત્ર દહીંહંડી જોવા મળે છે. હંડી કે મટકીમાં દહીં, દૂધ, ફળો અને મીઠાઈઓ હોય છે. ગોવિંદાઓ દ્વારા માનવી પિરામિડ રચીને તે ફોડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને આ દિવસે અત્યંત આહલાદક વાતાવરણ હોય છે. હું નાશિકમાં ઊછરી છું ને મને આ અનુભવ નજીકથી કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે.

દરેક ખૂણેખાંચરે દહીહંડી કાર્યક્રમ યોજાય છે. નાની હતી ત્યારે હું તે બહુ માણતી. અમે આસપાસ ટોળે વળતાં અને આખરે કોણ મટકી ફોડે છે તે જોવા ઉત્સુકતા રહેતી હતી. મંદિરો સજતાં અને ભક્તિગીતો વાગવા સાથે વાતાવરણ બહુ જ હકારાત્મક બની જતું હતું. મને ડ્રમના લય પર ગોવિંદા આલા રે આલા ગીત પર નાચવાનું અને પછી મારી માતાએ બનાવેલી પૂરણપોળી અને પારંપરિક ઘરના પકવાન ખાવાની મજા આવતી હતી.”

હપ્પુ કી ઉલટન પલટનની ગીતાંજલી મિશ્રા ઉર્ફે રાજેશ કહે છે, “જન્માષ્ટમીનો તહેવાર વ્યાપક રીતે ઊજવવામાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં તેની ભવ્યતા વધુ હોય છે. મેં અંગત રીતે ભૂતકાળમાં આ તહેવારમાં ભાગ લીધો છે. અનેક લોકો મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ઉજવણી કરવા માટે ભેગા થાય છે.

આ શહેર કૃષ્ણની રાસલીલાઓથી જાણે જીવંત થઈ જાય છે. અમુક નાટિકા પણ ભજવવામાં આવે છે. ભક્તો ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે. વારાણસીમાં મારા વતનમાં પણ મજેદાર ઉજવણી થાયછે. મારી દાદી મલાઈ પેંડા, ચરણામૃત અને ધનિયા પંજિરી જેવો વિશેષ પ્રસાદ બનાવતી, જે ભગવાન કૃષ્ણને ધરવામાં આવતો હતો.

આ પછી અમે મંદિરમાં જઈને ઘરે બનાવેલા પકવાન વહેંચતા અને ભજનસંધ્યામાં ભાગ લેતાં. બાળપણમાં મેં મારી માતાને રાધાનાં વસ્ત્રો પહેરાવવા માટે વિનંતી કરી હતી, જે પહેરીને મને બેહદ ખુશી થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણ આપણા બધા પર કૃપા રાખે એવી પ્રાર્થના. દરેકને જન્માષ્ટમીની શુભેચ્છા.”

ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “મધ્ય પ્રદેશમાં આ દિવસે મંદિરોને અદભુત રીતે સજાવવામાં આવતાં તે આજે પણ મને યાદ છે. મટકી-તોડ કાર્યક્રમ તો મંત્રમુગ્ધ કરી દેનારો રહેતો હતો. મારા પિતા મને બિરલા ટેમ્પલ અથવા કૃષ્ણ પરણામી મંદિર તરીકે પણ ઓળખાતા પ્રસિદ્ધ લક્ષ્મીનારાયણ મંદિરમાં લઈ જતા, જ્યાં મોટે પાયે આ તહેવાર ઊજવવામાં આવે છે. ઘરે અમે જમીન પર નવજાતનાં પગલાં બનાવીએ છીએ, જે બાળ કૃષ્ણના પધારવાનું પ્રતિક હોય છે.

અમે આરતી માટે મધરાત સુધી જાગતાં, જે પછી માખન મિશ્રી, લૌકી કી બરફી, મખના ખીર વગેરે જેવી મારી માતા અને દાદી દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ ખાતાં અને તે પછી ભગવાન કૃષ્ણની પીજા કરતા. તહેવારની તૈયારીઓ ખુશી આપતી. આસપાસ વાતાવરણ હકારાત્મક બની જતું હતું. મને તે અનુભવ ફરીથી કરવાનું મન થાયછે. ભગવાન કૃષ્ણ આ જન્માષ્ટમી પર દરેકના જીવનમાં ખુશી અને શાંતિ લાવે એવી પ્રાર્થના.”

દૂસરી માનો આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે, “હું ગુજરાતનો હોઈ ત્યાં જોશભેર જન્માષ્ટમીની ઉજવણી થાય છે. અનેક કારણોસર આ તહેવાર મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે ચે. મારી માતા અને અન્ય મહિલાઓ આ દિવસે ઉપવાસ રાખે છે ત્યારે બાળકો કાન્હાજીની આગમનની ધારણા સાથે ફૂલો અને હારથી ઘોડિયું શણગારતા. કૃષ્ણની મૂર્તિને દૂધ અને પાણીથી અભિષેક કરીને ઉજવણીનો આરંભ થતો. મૂર્તિને નવાં વસ્ત્રો અને દાગીના પરિધાન કરાવવામાં આવે છે.

મધરાત્રે આરતી અને મંગળાઆરતી થાયછે. ભગવાનને અમે મખના પાગ, ખીર, ચરણામૃત અને સૂકા મેવાના લાડુ ધરીએ છીએ. નજીકનાં કૃષ્ણ મંદિરોમાં અમે જઈએ છીએ, જ્યાં ભાગવદ ગીતામાં ભગવાન કૃષ્ણની શીખ પર આધારિત નાટિકા સહિત કાર્યક્રમો યોજાય છે. ગરબાનું આયોજન પણ થાય છે. દ્વારકાધીશ મંદિર તો અદભુત રીતે સજાવવામાં આવે છે. અમારી પરંપરા રહી છે કે હું કૃષ્ણ બનું છું અને મારી બહેનો ગોપી બને છે. આ વર્ષે પણ મારા પરિવાર સાથે આ તહેવાર ઊજવવા માટે ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યો છું.”

દૂસરી માનો આર જે મોહિત ઉર્ફે મનોજ કહે છે, “જયપુર સ્વર્ણિમ જન્માષ્ટમીની ઉજવણીઓ સાથે જીવંત બને છે. મંદિરોને સજાવટ સાથે શણગારવામાં આવે છે અને અજોડ રીતરસમો હાથ ધરાય છે. સમુદાય ઉપવાસ રાખે છે, પૂજાઅર્ચના કરે છે અને ભક્તિગીત અને નૃત્યમાં ભાગ લે છે. શહેર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પર્વો સાથે વાતાવરણ અત્યંત પાવન બની જાય છે. આ ઉજવણીમાં ગોવિંદ દેવજી મંદિર આકર્ષણનું કેન્દ્ર હોયછે અને હું તેથી જ ત્યાં જવા અને તહેવારના જોશમાં ગળાડૂબ થવાની આ તક ઝડપી લઉં છું.”

હપ્પુ કી ઉલટન પલટનની ચારુલ મલિક ઉર્ફે રુસા કહે છે, “ચંડીગઢમાં જોશભેર જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. મંદિરો સજે છે, પૂજાઅર્ચના થાયછે અને ભક્તિગીતોથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. પારંપરિક નૃત્યોમા રાસલીલા દરેકના આકર્ષણનું કેન્દ્ર હોય છે. શહેરમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવીને વસ્ત્રો પરિધાન કરાવાય છે અને મીઠાઈઓ ધરાવાય છે. મારા પરિવાર સાથે અમે મંદિરોમાં જઈએ છીએ. આશીર્વાદ લઈએ છીએ.

દરેક મંદિરમાં અજોડ શણગાર કરેલો જોવા મળે છે. ચંડીગઢમાં મેળાનું પણ આયોજન કરાયું છે. અમે ભાઈ- બહેનોનો આ પ્રિય મેળો હતો, જ્યાં અમે ખાવાનું ખાતાં અને રમકડાં લેતા હતા. આ મારો પ્રિય તહેવાર છે અને મને તક મળતાં તહેવાર માણવા માટે હું જરૂર મારા વતનમાં પાછી જઈશ.”

ભાભીજી ઘર પર હૈનો સાનંદ વર્મા ઉર્ફે અનોખેલાલ સકસેના કહે છે, “મારો પરિવાર ભગવાન કૃષ્ણનો કટ્ટર ભક્ત છે. મારી માતા કૃષ્ણને પારિવારિક સભ્ય માને છે. ઘરમાં કોઈ સંબંધીની જેમ જ તેની સંભાળ રખાય છે. હું કટ્ટર ભક્ત નથી, પરંતુ અમારો પરિવાર કૃષ્ણનું બહુ માન રાખે છે તેથી હું પણ તહેવારમાં સામેલ થાઉં છું અને વિધિનું પાલન કરું છું. મારા વતન પટનામાં આ તહેવાર વિશે રીતે ઊજવાય છે. કૃષ્ણને છપ્પનભોગ ધરાવાય છે.

ભગવાનને સ્વર્ણિમ પીળાં વસ્ત્રો પરિધાન કરાયા છે. ઘોડિયું તૈયાર કરાય છે અને ફૂલોથી સજાવવામાં આવે છે. આખો દિવસ ભજવો ગવાય છે. નાનો હતો ત્યારની ઉજવણી આજે પણ યાદ છે. જન્માષ્ટમી માટે મધરાત સુધી અમે જાગતા રહેતા તે ખરેખર રોમાંચિત કરનારો અનુભવ હતો. પૂજા પછી અમે કૃષ્ણજીની જેમ જ મીઠાઈ અને માખણ ખાતા.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.