Western Times News

Gujarati News

હૃતિક રોશનની ફિલ્મ ફાઇટર પર મધ્ય પૂર્વના ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો

મુંબઈ, હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની એરિયલ એક્શન ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ભારે ચર્ચા છે. ટૂંક સમયમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં પણ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. તેની રિલીઝ માટે માત્ર એક જ દિવસ બાકી છે. આ દરમિયાન ‘ફાઇટર’ના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે.

હૃતિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’ પર મધ્ય પૂર્વના ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ અને પ્રોડ્યુસર ગિરીશ જોહરે કહ્યું કે હૃતિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’ પર UAE (યુનાઈટેડ આરબ અમીરાત) સિવાય તમામ મિડલ ઈસ્ટ દેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર એક પોસ્ટ શેર કરતા આ માહિતી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું, ‘મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ફાઈટર પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ફિલ્મ પીજી૧૫ ક્લાસિફિકેશન સાથે યુએઇના થિયેટરોમાં રિલીઝ થશે. એક અહેવાલમાં સોર્સના આધારે કહેવામાં આવ્યું છે કે ફિલ્મની ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે યુએઈ સિવાયના તમામ ખાડી દેશોમાં ‘ફાઈટર’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જો કે, મેકર્સે હજુ સુધી આ બાબતે તેમનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. ભલે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’ને ખાડી દેશોના સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી ન મળી હોય, પરંતુ આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

ભારતીય વાયુસેના પર આધારિત આ અદ્ભુત એક્શન ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ ઉપરાંત અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

ગયા વર્ષે ૨૦૨૩માં શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’થી સિલ્વર સ્ક્રીન પર જોરદાર કમબેક કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું. રિલીઝ થયા બાદ પઠાણે વિશ્વભરમાં ૧૦૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.