HSBC બેન્ક ૩૫,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય કર્યા
નવી દિલ્હી: હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશનબેંક તેના ૩૫,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. તદઉપરાંત, બેન્ક તમામ પ્રકારની એક્સ્ટર્નલ રિક્રુટમેન્ટ પણ સ્થગિત કરશે. બેન્કે વિશ્વભરના પોતાના ૨.૩૫ લાખ કર્મચારીઓને મોકલેલી માહિતિમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારીને પગલે બેન્કને નુકસાન થઈ રહ્યું હોવાથી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમેય છેલ્લા ત્રણ વર્ષથી બેંકના નફામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
ચીફ એક્ઝિક્યુટિવ નોએલ ક્વિને કહ્યું હતું કે, અમે બહુ લાંબા સમય માટે નવી ભરતી કરવાનું સ્થગિત નથી કરી રહ્યાં. જાકે, આ સ્થિતિ કેટલો સમય રહેશે તે અંગે કંઈ કહેવું શક્ય નથી. અમારા ધંધાનો કેટલોક ભાગ અપેક્ષા મુજબ કામગીરી નથી કરી રહ્યો. તેથી અમારા રોકાણકારોને વધુ સારા પરિણામો આપવા માટે અમે અમારી યોજના પર ફરીથી વિચાર કરી રહ્યા છીએ. કોરોના મહામારીને કારણે બેંકને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે.