ક્રિકેટ સ્ટેડિયમને ભારે વરસાદ-પવનથી મોટું નુકસાનઃ મિડિયા બોક્સના ભુક્કા બોલી ગયા
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને પવનથી નુકસાન-ચારેબાજુ કાટમાળ અને કાચનો ભુક્કો જાેવા મળે છે, આ રિપેરિંગમાં કરોડો રૂપિયાનો વધુ ખર્ચ થવાની શક્યતા
રાજકોટ, રવિવારે અચાનક હવામાનમાં આવેલા પલ્ટાના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ અને તેજ ગતિએ ફૂંકાયેલા પવનના કારણે રાજકોટમાં થોડા વર્ષો અગાઉ જ બંધાયેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ એલિવેશનના પતરા ઉડી ગયા છે અને મિડિયા બોક્સના પણ ભુક્કા બોલી ગયા છે.
હાલમાં આ નુકસાનની વેલ્યૂ જાણી શકાઈ નથી પરંતુ આ આંકડો કરોડોમાં હોય તેવી શક્યતા છે. રવિવારે રાજકોટ, અમદાવાદ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સવારથી વાતાવરણ બદલાઈ ગયું હતું. જેના કારણે સૌથી પહેલાં પ્રચંડ વેગથી પવન ફૂંકાયો હતો, અંધારું છવાઈ ગયું અને પછી વરસાદ પડ્યો હતો. રાજકોટમાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં સજાવટ અને દેખાવ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ આ પવનના વેગ સામે આ ડિઝાઈનની ખામી જાેવા મળી છે. તેના કારણે ઘણી જગ્યાએ પતરાં ઉડી ગયા છે અને હવે તેને તાત્કાલિક રિપેર કરવું પડે તેવી સ્થિતિ છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન હેઠળ આવતા સ્ટેડિયમમાં અત્યારે મીડિયા બોક્સ અને આસપાસની જગ્યામાં ભંગાર વેરાયેલો જાેવા મળે છે. આ ઘટનામાં કોઈને સદભાગ્યે ઈજા નથી થઈ. પરંતુ પતરા અને લોખંડના એન્ગલનો કાટમાળ જાેવા મળે છે. આ સ્ટેડિયમના એલિવેશન અને મીડિયા બોક્સને ઈન્ટરનેશનલ લૂક આપવામાં આવ્યો હતો, પરંતુ પવનના જાેશ સામે તેની મજબૂતી ટકી શકી નથી.
આ સ્ટેડિયમમાં હાલમાં મીડિયા બોક્સ અને નીચેના ભાગમાં કાચનો ભુક્કો પથરાયેલો જાેવા મળે છે. ખુરશીઓ અને એલસીડી ટીવીના પણ ભુક્કા બોલી ગયા છે. તેના પરથી અંદાજ કાઢી શકાય કે રાજકોટમાં પવનની ઝડપ કેટલી બધી વધારે હતી.રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને ઈંગ્લેન્ડના લોર્ડ્સના ક્રિકેટ સ્ટેડિયમ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું છે જેના કારણે તેની ડિઝાઈન બીજા સ્ટેડિયમ કરતા અલગ દેખાઈ આવે છે.
અગાઉ રાજકોટમાં તમામ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રેસકોર્સના મેદાનમાં યોજાતી હતી. રાજકોટમાં ૧૯૮૭માં સૌ પ્રથમ ઈન્ટરનેશનલ વનડે યોજાઈ હતી. રેસકોર્સનું સ્ટેડિયમ નાનું પડતું હતું અને ટ્રાફિકની સમસ્યા થતી હતી તેના કારણે ખંઢેરી ગામ પાસે નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે, પરંતુ આજના વરસાદના કારણે સ્ટેડિયમને સારું એવું નુકસાન થયું છે.
આ ઘટના અને સ્ટેડિયમને થયેલા નુકસાન વિશે હજુ સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે આ એક આંચકાજનક ઘટના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ક્રિકેટચાહકોને આ પ્રકારના નુકસાનથી આંચકો લાગ્યો છે. હજુ ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ અને પવનની આગાહી છે ત્યારે ખંઢેરી સ્ટેડિયમને ઓછામાં ઓછું નુકસાન થાય તે જાેવું જરૂરી છે.