Western Times News

Gujarati News

અમલીકૃત કાયદાનું ઉલ્લંઘન કરવા માટે માનવ અધિકારને ઢાલ ન બનાવી શકાય

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા જે વલણ અપનાવવામાં આવ્યું અને નિવેદન કરવામાં આવ્યા તે દુર્ભાગ્યપૂર્ણ, અતિશયોક્તિભર્યા અને સત્યથી વેગળાં છે. 

વાતના તથ્યો નીચે ઉલ્લેખ કર્યા પ્રમાણે છે: એમ્નેસ્ટી ઇન્ટરનેશનલને વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ (FCRA) અંતર્ગત માત્ર એક જ વખત પરવાનગી મળી છે અને એ પણ વીસ વર્ષ પહેલાં (19.12.2020). ત્યારથી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા વારંવાર અરજીઓ કરવા છતાં, કાયદા અનુસાર તે આવી માન્યતા મેળવવા માટે યોગ્યતા ન ધરાવતું હોવાથી અનુવર્તી સરકારો દ્વારા FCRA માન્યતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

જોકે, FCRA નિયમનોમાં યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવીને છેતરપિંડી આચરવા માટે, એમ્નેસ્ટી યુકે દ્વારા ભારતમાં નોંધાયેલી ચાર સંસ્થાઓને મોટી રકમ ચુકવવામાં આવી હતી અને તેને પોતાના વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) તરીકે વર્ગીકૃત કરી હતી. FCRA અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી લીધા વગર જ નોંધપાત્ર પ્રમાણમાં વિદેશી રકમ એમ્નેસ્ટી (ભારત)ને પણ આપવામાં આવી હતી. બદઈરાદાપૂર્વક કરવામાં આવેલી નાણાંની આ હેરફેરમાં હયાત કાનૂની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું હતું.

એમ્નેસ્ટી દ્વારા આચરવામાં આવેલી આ ગેરકાયદે પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, અગાઉની સરકારે પણ વિદેશમાંથી ભંડોળ પ્રાપ્ત કરવા માટે એમ્નેસ્ટી દ્વારા વારંવાર કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. આના કારણે એમ્નેસ્ટીએ એ સમય દરમિયાન એક વખત ભારતમાં પોતાની કામગીરી બંધ પણ કરવી પડી હતી.

વિવિધ સરકારો હેઠળ એમ્નેસ્ટી પ્રત્યે અપનાવવામાં આવેલું દ્વિપક્ષીય વલણ અને તદ્દન કાયદાકીય અભિગમ સ્પષ્ટ કરે છે કે, સંપૂર્ણ દોષ એમ્નેસ્ટી દ્વારા પોતાની કામગીરી માટે ભંડોળ મેળવવાનું સુરક્ષિત કરવાના આશયથી અપનાવવામાં આવેલી શંકાસ્પદ પ્રક્રિયાઓમાં છે.

માનવતાલક્ષી કામગીરીઓ અંગે કરવામાં આવેલા તમામ ઝકાંઝાળ ભર્યા નિવેદનો અને સત્તા સામે સાચુ બોલવાની વાતોએ બીજું કંઈ જ નહીં પરંતુ પોતાની પ્રવૃત્તિઓ અંગે લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે હતા જે સ્પષ્ટપણે ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન થતું હોવાનું દર્શાવે છે. આવા નિવેદનો છેલ્લા કેટલાક વર્ષોમાં આચરવામાં આવેલી ગેરરીતિઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર બાહ્યરૂપે પ્રભાવ પાડવાનો એક પ્રયાસ છે.

ભારતમાં જે પ્રકારે અન્ય બીજા ઘણા સંગઠનો માનવતાલક્ષી કાર્યો કરે છે તે પ્રકારે એમ્નેસ્ટી પણ આવા કાર્યો કરવા માટે મુક્ત છે. જોકે, ભારત પ્રસ્થાપિત કાયદા અનુસાર, વિદેશી દાન દ્વારા ભંડોળ મેળવતી સંસ્થાઓને સ્થાનિક રાજનીતિની ચર્ચાઓમાં દખલગીરી કરવા બિલકુલ મંજૂરી આપતું નથી. આ કાયદાઓ તમામને એકસમાન રીતે લાગુ પડે છે અને તે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલને પણ લાગુ પડશે.

ભારત મુક્ત પ્રેસ, સ્વતંત્ર ન્યાયપાલિકા અને વાઇબ્રન્ટ ઘરેલુ ચર્ચાઓની પરંપરા વાળી સમૃદ્ધ અને બહુમતવાદી લોકશાહી સંસ્કૃતિ ધરાવે છે. ભારતના લોકોએ વર્તમાન સરકાર પર અભૂતપૂર્વ વિશ્વાસ મૂક્યો છે. સ્થાનિક નિયમનોનું અનુપાલન કરવામાં એમ્નેસ્ટીની નિષ્ફળતા તેમને લોકશાહી અને ભારતના બહુમતવાદી ચરિત્ર વિશે ટિપ્પણીઓ કરવાનો કોઈ અધિકાર આપતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.