Western Times News

Gujarati News

ભૂખ-તરસ શમી જાય છે, ગુસ્સો ઉતરી જાય છે, પણ લોભને કોઈ થોભ નથી

કેટલી સંપત્તિ પૂરતી કહેવાય એનો કોઈ ચોક્કસ આંકડો નથી, કોઈ પણ સંખ્યા બાહ્ય પરિબળ છે, ખરૂ સુખ તો અંદર હોય છે, લોભ એ સુખનો ક્ષય કરે છે, લોકો સુખ અંદર શોધવાને બદલે બહાર શોધતા હોય છે, તેથી જ લોભ જેવા વિકારો જન્મે છે

ભાગવત પુરાણમાં સ્ક્રંધ ૭ના પ્રકરણ ૭માંથી લેવાયેલા શ્લોક ક્રમાંક ર૦મા નારદ મુનિ યુધિષ્ઠિરને મોટો બોધ આપતાં કહે છે, આ વિશ્વમાં ભૂખ અને તરસ ખાધેપીધે શમી જાય છે, બધી ઈચ્છાઓ, ગુસ્સો અને ચીડ એ બધાનો પણ ઉભરો આવીને ઓસરી જાય છે, પરંતુ લોભ એવો દુર્ગુણ છે જે ક્યારેય ઓછો નથી થતો.

ઉપરોકત શ્લોક પરથી ગુજરાતી કહેવત યાદ આવે છે ? લોભને થોભ નથી. લોભી માણસ સતત વધુ ને વધુ સંપત્તિ તથા વસ્તુઓ મેળવવા માગે છે એક વખત બધું મળી જાય પછી તેનાથી વધારે મળવાની ઈચ્છા રાખે છે. આથી જ દુનિયાનો સૌથી વધુ સંપતિવાન માણસ પણ વધુ ધન મેળવવાનો પ્રયાસ કરતો રહે છે. પોતાની બધી જરૂરિયાતો પુરી થાય એટલું મેળવ્યા બાદ પણ લોભનો અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે ધન મેળવવાની ઈચ્છાને સંતોષવાનો પ્રયાસ ખરેખર તો એ જ્વાળામાં વધુ ઘી હોમવાનું કામ કરે છે. લોભને સંતોષવાનો ન હોય, તેને નિયંત્રિત રાખવાનો હોય, કારણ કે એ ધર્મના માર્ગમાં બાધારૂપ બને છે.

આપણી આસપાસ વ્યક્તિઓ, સંસ્થાઓ અને કંપનીઓના એવા અનેક ઉદાહરણો છે, જેમાં લોભીઓ પણ છે અને સમાજનું ઋણ ચુકવનારાઓ પણ છે.
પોતાને હજી સુધી પૂરતું મળ્યું નથી કે પછી પોતાને સંપત્તિ ભેગી કરવાનું વ્યસન લાગી ગયું છે એ સમજવાનું ઘણા લોકો માટે અઘરું હોય છે. દાં.ત. રજત મહેતા તેઓ નવી દિલ્હીમાં સારા વિસ્તારમાં સરસ મજાનું ઘર ધરાવે છે. તેમની પાસે એક કરતા વધારે કાર, નોકરો છે. તેઓ વેકેશનમાં હંમેશા દેશ-વિદેશમાં ફરવા જાય છે, જીવનની સુખ-સાહ્યબી ભોગવે છે અને એ બધું હોવા છતાં સંપત્તિની બાબતે અસલામતી અનુભવે છે.

પોતાની પાસે હાલ કેટલી સંપત્તિ છે અને ભવિષ્યમાં સારી જીવનશૈલી ટકાવી રાખવા માટે પોતાને કેટલી સંપત્તિની જરૂર છે એની ગણતરી હંમેશા ચાલતી જ હોય છે. ૬પ વર્ષના આયુષ્યમાં તેમણે ક્યારેય નાણાંના અભાવે ભુખ્ય સુવું પડયું નથી કે ક્યારેક તેમને પહેરવા માટે કપડાં ન હોય કે માથે છાપરું ન હોય એવી સ્થિતિમાં રહેવું પડયું નથી. આમ છતાં વારેઘડીએ તેઓ પોતાની સંપત્તિની ગણતરી અને હજી કેટલાની જરૂર છે તેનો હિસાબ કરતા હોય છે. એટલું જ નહી. તેઓ પોતાના મિત્રો, પરિચિતો અને સંબંધીઓની સંપત્તિની સાથે પોતાના ધનની તુલતા કરતા હોય છે.

બીજાઓ તો ખોટા રસ્તે ધન કમાયા છે એવું જ તેમનું માનવું હોય છે. આ બાબત ઈષ્ર્યા દર્શાવે છે. તેઓ ધનની બાબતે અસલામતી અનુભવે છે. આ અસલામતી લોભને જન્મ આપે છે. આથી જ માણસ વધુ ધન મેળવવાની ઈચ્છા રાખે છે. મારા ઘરની નજીક રહેતા દૂધવાળા નરેશભાઈ રજતભાઈ કરતાં સાવ અલગ વલણ ધરાવે છે. તેઓ અગાઉ દિવસમાં બે વાર દૂધનું કેન લઈને આવતા. હવે તેઓ વહેલી સવારે દૂધની થેલીઓ આપી જાય છે એ પતી ગયા પછી અખબાર વહેંચે છે.

દિવસ દરમિયાન તેઓ ડ્રાઈવર તરીકે કામ કરે છે અને સાંજે સાડા છ વાગ્યે પરવારે છે. સાજે તેઓ મંદિરે જઈને સેવા આપે છે. તેઓ મંદિરની સાફસફાઈમાં મદદ કરે છે, વડીલોને રસ્તો ઓળંગવામાં સહાય કરે છે તેઓ રોજ એક માણસને ભોજન કરાવે છે તેમનું કહેવું છે કે પ૯ વર્ષના આયુષ્યમાં તેમણે એકેય દિવસ ભુખ્યા રહેવું પડયું નથી. આથી તેમણે રોજ એક માણસને જમાડવાનો નિયમ રાખ્યો છે.

થોડા મહિનાઓ પહેલા મેં તેમને નિયમિતપણે બચત કરવાની વાત કરી હતી આથી તેમણે બેન્કમાં રિકરિંગ ખાતું ખોલાવ્યું છે તેમણે વીમાની અને નિવૃતિની વિવિધ સરકારી સ્કીમ લીધી છે. જાેકે તેઓ સ્પષ્ટપણે કહે છે કે રામ રાખે એને કોણ ચાલે ? તેમના મુખ પર ગજબની શાંતિ ઝળકે છે. કેટલીક સંપત્તિ પુરતી કહેવાય એનો કોઈ ચોકકસ આંકડો નથી. કોઈ પણ સંખ્યા બાહ્ય પરિબળ છે. ખરું સુખ તો અંદર હોય છે. લોભ એ સુખનો ક્ષય કરે છે. કમનસીબે આપણામાંથી મોટાભાગના લોકો અંદર સુખ શોધવાને બદલે બહાર શોધતા હોય છે. તેને લીધે જ લોભ જેવા વિકારો જન્મે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.